બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકામાં વાદળછાયા વાતાવરણથી ધરતીપુત્રોમાં ચિંતા ના વાદળો ઘેરાયા.
વાદળ છાયા વાતાવરણથી રવિ સિઝનના ઘઉં,ચણા, મકાઈ વગેરે પાકોમાં જીવાતનો ઉપદ્રવ થવાનો ભય વધ્યો.
સુખસર તા.28
ફતેપુરા તાલુકામાં છેલ્લા ત્રણેક દિવસથી વાદળછાયુ વાતાવરણ છવાયેલું છે.લોકો કાતિલ ઠંડીનો પણ અનુભવ કરી રહ્યા છે.ત્યારે હાલમાં રવિ સિઝનના પાકો જેવા કે ઘઉં,ચણા, મકાઈના પાકો પાકણી તરફ પ્રયાણ કરી રહ્યા છે.ત્યારે વાદળછાયા વાતાવરણથી આ પાકોમાં જીવાતનો ઉપદ્રવ થવાનો ભય જોવાતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાઈ જવા પામ્યા હોવાનું જાણવા મળે છે.તેમજ જો કમોસમી માવઠું થાય તો ખેતી પાકોની ઉપજમાં મોટો ફટકો પડવાનો પણ ભય ખેડૂતોને સતાવી રહ્યો છે.ખેડૂતોની ખેતીમાં સારા પાકની ઉપજ થાય તો તેનું સરકાર અને વેપારીઓ દ્વારા શોષણ થાય.અને જો ખેતી પાકો ઉપર કોઈ કુદરતી આફત આવે તો ખેડૂતોને ના છૂટકે મન મનાવી લેવા મજબૂર બનવું પડતું હોય છે.
પ્રાપ્તિ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ફતેપુરા સહિત સુખસર પંથકમાં છેલ્લા ત્રણેક દિવસથી વાદળછાયું વાતાવરણ ઘેરાયેલું છે. ત્યારે ખાસ કરીને ખેડૂતોમાં ચિંતા વધી જવા પામી છે.તેમાં હાલ રવિ પાકો જેવા કે ઘઉં,ચણા,મકાઈના પાકો પાકની તરફ પ્રયાણ કરી રહ્યા છે.અને તેવા જ સમયે જો કમોસમી વરસાદ થાય તો આ ખેતી પાકોને મોટું નુકસાન થવાનો ભય ઊભો થવા પામ્યો છે. તેમજ માવઠાની સાથે જો પવન ફૂંકાય તો ઘઉં જેવા પાકો જમીન દોસ્ત થતાં ખેતી પાકોની ઉપજમાં ખેડૂતોને મોટો ફટકો પડવાના એંધાણ પણ જણાઈ રહ્યા છે.જોકે તાલુકામાં રવિ સિઝનના પાકો માં સારી ઉપજ જોવાઈ રહી છે. પરંતુ કમોસમી વરસાદ થાય તો ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળે તેમ જણાઈ રહ્યું છે.જોકે આજરોજ સવારના ફતેપુરા સહિત પંથકમાં થોડા અંશે કમોસમી માવઠું થયું હોવાનું પણ જાણવા મળે છે.કમોસમી વરસાદ તથા વાદળ છાયા વાતાવરણથી તૈયાર થવા આવેલા રવિ સિઝનના પાકોની ઉપજમાં ફટકો પડવાના અણસારથી ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, ખાતર,પાણી,દવા પાછળ કરેલો ખર્ચ વ્યર્થ જાય તેમ જણાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હોવાનું જાણવા મળે છે.