
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના મારગાળા ગામે મતદાનના દીવસે કોંગ્રેસના એજન્ટ પર ચપ્પુ હુલાવનાર આરોપીને સુખસર પોલીસે દબોચ્યો
ફતેપુરા તા.22
વિધાનસભાની ચૂંટણીના મતદાનના દિવસે મારગાળા ગામે મછાર ફળિયા વર્ગ મતદાન મથક બુથ નંબર ૫ પર ભાજપ અને કોંગ્રેસના એજન્ટો વચ્ચે થયેલા ઝઘડામાં કોંગ્રેસના એજન્ટને ચપ્પુ હુલાવી દેનાર મુખ્ય આરોપીને પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યાંનું જાણવા મળે છે.
ગત તા.૫મી ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ ફતેપુરા તાલુકાના મારગાળા ગામે મછાર ફળિયા વર્ગ મતદાન મથક બુથ નંબર ૫ પર મતદાન ચાલુ હતું તેમાં કોંગ્રેસના ઉમેદવારના એજન્ટ તરીકે મારગાળા ગામના તળગામ ફળિયાના રમણભાઈ મલીયાભાઈ ભગોરા હતા તેમજ ભાજપના ઉમેદવારના એજન્ટ તરીકે મારગાળા ગામના સંજયભાઈ રમેશભાઈ ભાભોર અને સુક્રમભાઈ ગજસીભાઈ ભાભોર હતા. મતદાન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારના એજન્ટો વચ્ચે બોગસ મતદાન કરાવવા બાબતે ઝઘડો થયો હતો અને ભાજપના એજન્ટોએ કોંગ્રેસના એજન્ટને મતદાન મથકની બહાર કાઢી મૂક્યો હતો આ સમયે મતદાન મથક ની બહાર મારગાળા ગામના દલાભાઈ વાલાભાઈ ભાભોર તથા જીગ્નેશભાઈ લલીતભાઈ ભાભોર ઉભા હતા અને તેઓએ રમણભાઈ મલીયાભાઈ ભગોરાને ખોટી ગાળો બોલી છુટા હાથની મારામારી કરી હતી તે દરમિયાન મારગાળા ગામના દલાભાઈ વાલાભાઈ ભાભોરે કોંગ્રેસના એજન્ટ રમણભાઈ ભગોરાને તેના હાથમાનું ચપ્પુ શરીરની ડાબી બાજુ છાતીના નીચેના ભાગે મારી દેતા ઉંડો ઘા પડી ગયેલ હતો અને રમણભાઈ ભગોરા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ બાબતે ફતેપુરા તાલુકાના મારગાળા ગામના તળગામ ફળિયાના રમણભાઈ મલીયાભાઈ ભગોરાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સુખસર પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઈને ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા સુખસર પી.એસ.આઇ. મિત્તલ પટેલે સુખસર પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવીને ટેકનિકલ સોર્સની મદદથી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સને કામે લગાડીને આરોપીઓને ઝડપી પાડવા માટેના તમામ પ્રયાસો શરૂ કર્યા હતા તેમાં આ હુમલાના મુખ્ય આરોપી દલાભાઈ વાલાભાઈ ભાભોરને તેના આશ્રય સ્થાનેથી હુમલામાં વાપરેલા ચપ્પુ સાથે સુખસર પોલીસે ઝડપી પાડ્યો છે અને અન્ય ૩ આરોપીઓને ઝડપી પાડવાના સુખસર પોલીસના પ્રયાસો ચાલુ જ છે. આમ સુખસર પોલીસ મથકના ૩૦૭ ના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં સુખસર પોલીસને સફળતા મળી છે.
——————————-