
બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના સુખસરમાં મહાદેવ મંદિરની જમીનમાં દબાણકર્તાઓ સામે લેન્ડગ્રેબિંગ નો ગુનો દાખલ કરવા ફરિયાદ.
તલાટી, સર્કલ અને મામલતદારે તપાસનો અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલ્યો.
વ્યવસાય હેતુ બનાવેલી દુકાનો દબાણમાં હોવાનો ગ્રામ પંચાયતનો અહેવાલ.
સુખસર,તા.29
ફતેપુરા તાલુકાના સુખસરમાં મહાદેવ મંદિર બનાવવા માટે આપેલી જમીન માં કેટલાક માલેતુજાર લોકોએ અગાઉ તંત્ર સાથે મીલીભગત કરી મંદિરની જમીનમાં દબાણ કરી દીધું હતું.જે બાબતે દબાણકર્તાઓ સામે લેન્ડગ્રેબિંગનો ગુનો દાખલ કરવા રજૂઆત કરાઇ હતી.જેમાં તલાટી સર્કલ અને મામલતદારે તમામ અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલ્યો હતો.
ફતેપુરા તાલુકાના સુખસરમાં મહાદેવ મંદિર બનાવવા માટે જમીન દાનમાં આપવામાં આવી હતી.જેમાં મંદિર બની ગયા બાદ નજીકમાં ધર્મશાળા માટે જમીન ફાળવાઇ હતી.
આ જમીનમાં ગામનાજ માલેતુજાર લોકો કે જેવો ઝાલોદ અને દાહોદ જેવા મોટા શહેરોમાં વૈભવી મકાનો ધરાવે છે.અને વહીવટી તંત્રના કેટલાક લેભાગુ અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવે છે તેવા માથાભારે તત્ત્વોએ વ્યાવસાયિક હેતુ ધર્મશાળાની જમીનમાં દબાણ કરી વૈભવી દુકાનો બનાવી દીધેલ છે.જે બાબતે છેલ્લા પાંચેક વર્ષથી વારંવાર રજૂઆતો કરવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નહતી.પરંતુ સરકાર દ્વારા લેન્ડગ્રેબિંગ નો કાયદો લાવવામાં આવતા હવે દબાણકર્તાઓ સામે કાર્યવાહી થશે તેવી આશા જન્મી છે.જેથી ગામના આગેવાન દ્વારા મંદિરની જમીનમાં દબાણ કરતાં સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા માટે ઓનલાઇન ફરિયાદ કરવામાં આવી હતી.જે સંદર્ભે સુખસર ગ્રામ પંચાયતના તલાટી, સર્કલ મામલતદાર દ્વારા સ્થળ તપાસ કરીને સંપૂર્ણ અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલવામાં આવ્યો હતો.જેમાં ગ્રામ પંચાયત દ્વારા આ વ્યવસાઇક હેતુની દુકાનો દબાણમાં આવેલી હોવાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો.