રાજેશ વસાવે :- દાહોદ
*કૃષિ સંશોધન કેન્દ્ર, મુવાલિયા ફાર્મ, દાહોદ ખાતે ‘ગાજરઘાસ જાગૃતિ દિવસ’ની ઉજવણી કરાઈ*
દાહોદ તા. 21
આઈ. સી. એ. આર.- ડી. ડબલ્યુ. આર. (ICAR-DWR), જબલપુર દ્વારા પ્રેરિત “૨૧ માં પારથેનિયમ (ગાજરઘાસ) જાગૃતિ સપ્તાહ” અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સિટી સંચાલિત મુવાલિયા ફાર્મ સ્થિત કૃષિ સંશોધન કેન્દ્ર, દાહોદ ખાતે તારીખ ‘ગાજરઘાસ જાગૃતિ દિવસ’ ની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી.
ગાજરઘાસ (પારથેનિયમ હિસ્ટ્રોફોરસ) એ વર્ષાયું પ્રકારનું અત્યંત નુકસાનકારક નીંદણ છે. તેના પાનનો આકાર ગાજરના છોડ જેવો હોવાથી તેને સ્થાનિક ભાષામાં ગાજરઘાસ, કોંગ્રેસ ઘાસ, ચટક ચાંદની કે સફેદ ટોપી જેવા નામોથી ઓળખવામાં આવે છે. હાલમાં સમગ્ર દેશમાં આશરે ૩૫ મિલિયન હેક્ટરથી વધુ વિસ્તારમાં આ નીંદણ ફેલાયેલું છે. આ છોડમાં ‘પાર્થેનીન’ નામનું ઝેરી રસાયણ રહેલું હોય છે, જે માનવ સ્વાસ્થ્ય, પશુધન તેમજ કૃષિ ઉત્પાદકતા માટે અત્યંત હાનિકારક છે.
ગાજરઘાસના યોગ્ય નિયંત્રણ માટે આ મુજબના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે:
• ભૌતિક નિયંત્રણ: છોડ પર ફૂલ આવે તે પહેલાં, કુમળી અવસ્થામાં જ તેને મૂળ સહિત ઉપાડીને નાશ કરવો.
• પાક વ્યવસ્થાપન: ખેતરમાં ઝડપથી વધતા પાકો જેવા કે મકાઈ, જુવાર અને સૂર્યમુખીનું વાવેતર કરવું.
• જૈવિક રોકથામ: ઘર કે ઓફિસની આસપાસ સુરક્ષિત જગ્યાઓમાં ગલગોટાના છોડ રોપવાથી ગાજરઘાસનો ઉપદ્રવ અટકાવી શકાય છે.
આ જાગૃતિ અભિયાનના ભાગરૂપે કૃષિ સંશોધન કેન્દ્ર, દાહોદના તમામ અધિકારીઓ અને કર્મચારીગણ દ્વારા એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં ફાર્મ હસ્તકના અ-વિભાગ, બ-વિભાગ તેમજ ઓફિસ, સ્ટોર અને રહેણાંક ક્વાટર્સની આસપાસના વિસ્તારમાંથી હાથ-નિંદામણ દ્વારા ગાજરઘાસનો નિકાલ કરી સમગ્ર પરિસરને ગાજરઘાસ મુક્ત કરવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
૦૦૦
