ફતેપુરાની ખાનગી શાળામાં સરકારી શૈક્ષણિક સામગ્રી મળી આવતા ખળભળાટ, શાળાને સીલ કરાઈ.. સર્વ શિક્ષા અભિયાન હેઠળ 2024-25માં ફાળવાયેલા 4 ડિજિટલ બોર્ડ, લેપટોપ અને સ્ટેશનરી સહિતની સામગ્રી મળી; 

Editor Dahod Live
4 Min Read

ફતેપુરાની ખાનગી શાળામાં સરકારી શૈક્ષણિક સામગ્રી મળી આવતા ખળભળાટ, શાળાને સીલ કરાઈ..

સર્વ શિક્ષા અભિયાન હેઠળ 2024-25માં ફાળવાયેલા 4 ડિજિટલ બોર્ડ, લેપટોપ અને સ્ટેશનરી સહિતની સામગ્રી મળી; 

સામગ્રી કઈ સરકારી શાળામાંથી અને કોના મારફતે પહોંચી તેની તપાસ શરૂ

દાહોદ, તા. 19: 

ફતેપુરામાં સરકારી શાળાઓ માટે ફાળવવામાં આવેલી શૈક્ષણિક સામગ્રી ખાનગી શાળામાં ઉપયોગમાં લેવાતી હોવાના આક્ષેપ બાદ શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી હતી. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીના નેતૃત્વ હેઠળની ટીમે ફતેપુરાની ટચ ધ લાઈટ ખાનગી શાળામાં તપાસ કરતાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ફાળવવામાં આવેલી શૈક્ષણિક સામગ્રી મળી આવતાં તંત્ર ચોંકી ઉઠ્યું હતું. તપાસ બાદ શિક્ષણ વિભાગે શાળાને સીલ મારી સામગ્રી જપ્ત કરી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સરકારી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ફાળવવામાં આવતી પુસ્તકો, સ્ટેશનરી, રમતગમતના સાધનો, ડિજિટલ બોર્ડ સહિતની શૈક્ષણિક સામગ્રી ખાનગી શાળામાં ઉપયોગમાં લેવાતી હોવાના આક્ષેપો સામે આવ્યા હતા. આ અંગે ફરિયાદો અને આક્ષેપોની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા ખાનગી શાળામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આજરોજ તપાસ દરમિયાન વર્ષ 2024-25માં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ફાળવવામાં આવેલી 4 જેટલી ડિજિટલ બોર્ડ, લેપટોપ તેમજ અન્ય સ્ટેશનરી સહિતની શૈક્ષણિક સામગ્રી મળી આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ટીમે આ સામગ્રી કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. સાથે જ ખાનગી શાળાને સીલ મારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સરકારી સામગ્રી ખાનગી શાળામાં કેવી રીતે પહોંચી?

સમગ્ર મામલે હવે શિક્ષણ વિભાગનું મુખ્ય ધ્યાન એ બાબત પર છે કે સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવેલી આ સામગ્રી કઈ સરકારી શાળામાંથી, કોના દ્વારા અને કયા સંજોગોમાં ખાનગી શાળા સુધી પહોંચાડવામાં આવી? સામગ્રીની હેરફેરમાં કોઈ સરકારી કર્મચારી કે અન્ય વ્યક્તિની ભૂમિકા હતી કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.આ ઉપરાંત, સરકારી યોજના હેઠળ ઉપલબ્ધ કરાવવામાં આવેલી સામગ્રીનો ખાનગી શૈક્ષણિક સંસ્થામાં ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પાસેથી કોઈ પ્રકારની ફી કે અન્ય રકમ વસૂલવામાં આવી હતી કે કેમ, તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

*સરકારી શિક્ષકોની ભૂમિકા અંગે પણ સવાલો.!*

આ સમગ્ર મામલામાં કેટલાક સરકારી શિક્ષકો અને શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા વ્યક્તિઓના નામ પણ ચર્ચામાં આવ્યા છે. તેમાં સલરા ખાતે CRC તરીકે ફરજ બજાવતા પૂર્વીબેન ઉપાધ્યાય, કમલ વિદ્યાલય ભોજેલાના શિક્ષક અલ્કેશ પ્રજાપતિ, અન્ય એક સરકારી શિક્ષક, દાહોદ આચાર્ય સંઘના મહામંત્રી ભરત પંચાલ તેમજ D.E.O. કચેરી મારફતે નિમાયેલા વિકલાંગ સ્પેશિયલ ટીચર સહિતના નામોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે.આ વ્યક્તિઓમાંથી કેટલાકનો ટચ ધ લાઈટ ખાનગી શાળાના ટ્રસ્ટી હોવાનું સામે આવ્યા છે. જો આ બાબત તપાસમાં સાચી સાબિત થાય તો સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકોની ખાનગી શૈક્ષણિક સંસ્થા સાથેની ભૂમિકા, હિતોના સંઘર્ષ તેમજ સરકારી શૈક્ષણિક સામગ્રીના ઉપયોગ અંગે ગંભીર સવાલો ઊભા થઈ શકે છે.જોકે, ઉપરોક્ત તમામ આક્ષેપો અંગે અંતિમ હકીકત શિક્ષણ વિભાગની સત્તાવાર તપાસ અને દસ્તાવેજી પુરાવા બાદ જ સ્પષ્ટ થશે. સંબંધિત તમામ વ્યક્તિઓનો પક્ષ પણ તપાસનો મહત્વપૂર્ણ ભાગ રહેશે.ખાનગી શાળામાંથી મળી આવેલી સામગ્રીના રેકોર્ડ, ફાળવણીના દસ્તાવેજો અને સંબંધિત સરકારી શાળાઓની વિગતો તપાસવામાં આવી રહી છે. સામગ્રી કઈ શાળાને ફાળવવામાં આવી હતી અને તેમાંથી ખાનગી શાળા સુધી કેવી રીતે પહોંચી તે અંગે શિક્ષણ વિભાગ દ્વારા તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે.ફતેપુરાની ખાનગી શાળામાં સરકારી શૈક્ષણિક સામગ્રી મળી આવવાના આ મામલાથી દાહોદ જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે ખળભળાટ મચ્યો છે. હવે તપાસમાં સામગ્રીની હેરફેર પાછળ કોણ જવાબદાર છે અને સરકારી યોજનાની સામગ્રી ખાનગી સંસ્થામાં કેવી રીતે પહોંચી તે અંગેના સવાલોના જવાબ સામે આવે તેની રાહ જોવાઈ રહી છે.

Share This Article