ધાનપુરના સ્વ. આશાબેનના પરિવાર માટે આરોગ્ય પરિવારે લંબાવ્યો માનવતાનો હાથ: ₹1,27,001ની આર્થિક સહાય અર્પણ

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ધાનપુરના સ્વ. આશાબેનના પરિવાર માટે આરોગ્ય પરિવારે લંબાવ્યો માનવતાનો હાથ: ₹1,27,001ની આર્થિક સહાય અર્પણ

ધાનપુરતા. 20

ધાનપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ઝાબુ ખાતે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા આશાબેન (મોહનિયા મંજુલાબેન મુકેશભાઈ)ના અચાનક દુઃખદ અવસાનથી સમગ્ર આરોગ્ય પરિવાર ધાનપુરમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. સ્વ. આશાબેનના અવસાન બાદ તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે, ત્યારે તેમની પાછળ રહેલા બે દીકરીઓ અને એક દીકરાના ઉજ્જવળ ભવિષ્ય અને આર્થિક સહારા માટે ધાનપુર આરોગ્ય પરિવારે એક ઉમદા અને સંવેદનશીલ પહેલ કરી છે.

સ્વ. આશાબેનના પરિવારને આ મુશ્કેલ સમયમાં આર્થિક ટેકો મળી રહે તેવા માનવતાભર્યા હેતુથી ધાનપુર તાલુકાના તમામ આરોગ્ય કર્મચારીઓએ સ્વેચ્છાએ ફાળો એકત્રિત કરીને ₹1,27,001 (અંક અક્ષરે: એક લાખ સત્તાવીસ હજાર એક રૂપિયા)ની આર્થિક સહાય રકમ પરિવારજનોને સોંપી હતી.

આ પ્રસંગે ભાવુક બનીને આરોગ્ય કર્મચારીઓએ જણાવ્યું હતું કે, “અમે ફૂલ નહીં તો ફૂલની પાંખડીરૂપે આશાબેનના પરિવાર સાથે અડીખમ ઊભા છીએ. તેમના નાના બાળકોના ભવિષ્યમાં અમારી આ નાનકડી મદદ થોડો સહારો બની રહે, એ જ અમારો એકમાત્ર હેતુ છે.”

આરોગ્ય પરિવાર દ્વારા કરવામાં આવેલી આ સહાય માત્ર આર્થિક મદદ પૂરતી સીમિત ન રહેતા, એક સહકર્મચારી પ્રત્યેની માનવતા, ઊંડી સંવેદના અને પરસ્પર પરિવારભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. ઉપસ્થિત તમામ કર્મચારીઓએ સ્વ. આશાબેનના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી તેમના શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

Share This Article