દાહોદમાં પોલીસ કસ્ટડીમાંથી પોલીસ કોન્સ્ટેબલ ફરાર,બેદરકારી બદલ બે કર્મચારી સસ્પેન્ડ.!  મોંઘી કારો ભાડે લઈ બારોબાર વેચી નાખવાના કથિત કૌભાંડમાં ઝડપાયેલો જીતેન્દ્રસિંહ સોલંકી પોલીસ મથકમાંથી ફરાર થતાં ખળભળાટ.!

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં પોલીસ કસ્ટડીમાંથી પોલીસ કોન્સ્ટેબલ ફરાર,બેદરકારી બદલ બે કર્મચારી સસ્પેન્ડ.! 

મોંઘી કારો ભાડે લઈ બારોબાર વેચી નાખવાના કથિત કૌભાંડમાં ઝડપાયેલો જીતેન્દ્રસિંહ સોલંકી પોલીસ મથકમાંથી ફરાર થતાં ખળભળાટ.!

દાહોદ તા.  19

અમદાવાદની કાર રેન્ટલ એજન્સી પાસેથી મોંઘી કારો ભાડે મેળવી બારોબાર વેચી નાખવાના કથિત છેતરપિંડી કૌભાંડમાં સંડોવાયેલા ધાનપુર પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ સોલંકી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ જતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકના PSO ભરતભાઈ ખુમાનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દીપક વિઠ્ઠલભાઈને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ધાનપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા અને મૂળ ગોધરા જૈન સોસાયટી, ભુરાવાવનો રહેવાસી કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ સોલંકીએ તેના સાથીદારો રુદ્રપાલસિંહ સોલંકી અને રાજ ભરવાડ સાથે મળીને પોલીસની ઓળખ તથા વર્દીનો ઉપયોગ કરી અમદાવાદ સ્થિત ગોવિંદ જુમ એપ કાર રેન્ટલ એજન્સીનો વિશ્વાસ જીત્યો હોવાનો આક્ષેપ છે. ત્રણેયે તપાસના કામે જરૂરી હોવાનું જણાવી આશરે રૂ.42 લાખની કિંમતની પાંચ જેટલી મોંઘી કારો ભાડે મેળવી બાદમાં બારોબાર વેચી નાખી હોવાનો આરોપ છે.આ મામલે કાર રેન્ટલ એજન્સીના માલિકની ફરિયાદના આધારે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયા બાદ જીતેન્દ્રસિંહ સહિત ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ સોલંકીની રાજસ્થાન ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. રાત્રિના સમયે લોકઅપમાં રહેલા જીતેન્દ્રસિંહે છાતીમાં દુખાવો અને ગભરામણ થતી હોવાનું જણાવી બહાર કાઢવાની માંગ કરી હતી. ફરજ પર હાજર PSO ભરતભાઈ ખુમાનભાઈ તથા કોન્સ્ટેબલ દીપક વિઠ્ઠલભાઈએ તેને લોકઅપમાંથી બહાર કાઢી બાંકડા પર બેસાડ્યો હતો.આ દરમિયાન બંને પોલીસ કર્મચારીઓની નજર ચૂકવી આરોપી જીતેન્દ્રસિંહ સોલંકી વહેલી સવારે આશરે 4:30થી 5 વાગ્યાની વચ્ચે પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ પોલીસ ટીમો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. જોકે પોલીસે ફરાર થયેલા જીતેન્દ્રસિંહ સોલંકી વિરુદ્ધ કસ્ટડીમાંથી ફરાર થવા બદલ વધુ એક ગુનો નોંધ્યો છે. સાથે જ ફરજમાં બેદરકારી બદલ PSO ભરતભાઈ ખુમાનભાઈ અને કોન્સ્ટેબલ દીપક વિઠ્ઠલભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં પણ ગુનો નોંધાયો.!

નોંધનીય છે કે મોંઘી કારો રેન્ટ પર મેળવી તેને બારોબાર વેચી નાખવાના કથિત કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ કુલ 10 લોકો સામે ગુનો નોંધ્યો હોવાનું સામે આવ્યું છે. આ ગુનામાં પણ ધાનપુરના પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ સોલંકીનું નામ સામેલ હોવાનું જાણવા મળે છે. આમ, જીતેન્દ્રસિંહ સોલંકી સામે અલગ-અલગ ત્રણ ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ ફરાર આરોપીને ઝડપી પાડવા તેમજ સમગ્ર કૌભાંડમાં અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે તપાસ આગળ ધપાવી રહી છે.

Share This Article