રાજેશ વસાવે :- દાહોદ
સંજેલીમાં બોગસ ST પ્રમાણપત્રોના આક્ષેપોથી ચકચાર, રાવળ પરિવાર સામે તટસ્થ તપાસની માંગ સાથે DDO-કલેકટરને આવેદન
સરકારી નોકરી, મેડિકલ પ્રવેશ અને અન્ય લાભોમાં ST અનામતનો ગેરલાભ લેવાયો હોવાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ;
કલેક્ટર, DDO અને SPને આવેદન આપી કાર્યવાહી કરવાની માંગ
દાહોદ તા.17

સંજેલી તાલુકામાં અનુસૂચિત જનજાતિ (ST) પ્રમાણપત્રને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગાંધીનગર ખાતે દસ્તાવેજો રજૂ કરી આક્ષેપ બાદ હવે આદિવાસી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આજે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી તેમજ કલેકટરને રજૂઆત કરી સમગ્ર મામલે તટસ્થ અને ન્યાયિક તપાસની માંગ માંગ કરી છે. જેમાં મૂળ હિંદુ રાવળ (બક્ષીપંચ/OBC) જ્ઞાતિ ધરાવતા રાવળ પરિવારના કેટલાક સભ્યોએ કથિત રીતે ગેરરીતિથી ST પ્રમાણપત્ર મેળવી અનામતના લાભો મેળવ્યા છે. જેના પુરાવા સાથેની કોપી સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવી છે. આદિવાસી સમાજના આગેવાનોના જણાવ્યા અનુસાર સંજેલી તાલુકાની શાળાના સરકારી વયપત્રક તથા મહેસૂલી રેકોર્ડમાં પરિવારની મૂળ જ્ઞાતિ અંગેની નોંધો ઉપલબ્ધ છે. તેમણે દાવો કર્યો છે કે કેટલાક જૂના રેકોર્ડમાં થયેલા ફેરફારોના આધારે પાછળથી ST પ્રમાણપત્ર મેળવવાનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો.આક્ષેપ મુજબ પરિવારના વિવિધ સભ્યો દ્વારા સરકારી નોકરી, મેડિકલ ક્ષેત્રે અનામત પ્રવેશ, APMCના પદ તેમજ ST કોટા હેઠળના અન્ય લાભો મેળવવામાં આવ્યા હોવાની વિગતો રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક પરિવારજનો પોલીસ કોન્સ્ટેબલ અને તલાટી-કમ-મંત્રી જેવી સરકારી ફરજો બજાવતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.આ સમગ્ર મામલે ST પ્રમાણપત્રોની ખરાઈ, સરકારી રેકોર્ડમાં થયેલી કથિત ગેરરીતિ અને તેના આધારે મેળવાયેલા લાભોની તપાસ કરવાની માંગ ઉઠી છે. જિલ્લા કલેક્ટર, DDO અને SPને આવેદન આપી તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
જોકે આ મામલે અગાઉ યુવરાજસિંહ જાડેજાએ આ મામલે આદિજાતિ વિકાસ વિભાગ અને ગુજરાત વિજિલન્સ સમક્ષ પણ રજૂઆત કરી છે ત્યારે હવે આદિવાસી સમાજના આગેવાનોએ તપાસની માંગ સાથે આવેદન પાઠવી રજૂઆત કરી છે. જો તપાસમાં પ્રમાણપત્રો ખોટા અથવા ગેરકાયદેસર હોવાનું સાબિત થાય તો સંબંધિત પ્રમાણપત્રો તથા તેના આધારે મેળવાયેલા લાભો રદ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.હવે સમગ્ર મામલે તંત્ર દ્વારા ક્યારે તપાસ શરૂ કરવામાં આવે છે અને રજૂ કરાયેલા દસ્તાવેજોની ખરાઈ બાદ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે. જોકે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સબંધિત અધિકારીઓને 15 દિવસનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે જો 15 દિવસમાં આ મામલે કાર્યવાહી નહીં થાય તો આદિવાસી સમાજ મોટા પ્રમાણમાં આંદોલનના માર્ગે ચાલશે તેવી જિંદગી પણ આજે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
