બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના પાટવેલ ગામે મોટર સાયકલ સ્લીપ થતાં બાર સાલેડા ગામના 23 વર્ષીય યુવાનનુ મોત*
*ચાલકની ગફલતને કારણે મોટર સાયકલ સ્લીપ ખાઈ જતા ચાલકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું*
( પ્રતિનિધિ ) સુખસર,તા.18
ફતેપુરા તાલુકાના પાટવેલ ગામે પૂરપાટ દોડી આવતી મોટર સાયકલ ચાલકની ગફલતના કારણે મોટર સાયકલ માળી ફળિયામાં રોડ ઉપર સ્લીપ ખાઈ જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા મોટરસાયકલ ચાલકનું સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મોત નીપજ્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
જાણવા મળે વિગતો અનુસાર ફતેપુરા તાલુકાના બાર સાલેડા ગામના નાળ ફળિયામાં રહેતા 23 વર્ષીય નિલેશભાઈ વિનોદભાઈ ચારેલ તેના કબજાની હીરો પેશન પ્રો મોટરસાયકલ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જતા તેની ગફલતને કારણે મોટરસાયકલ પાટવેલ ગામે માળી ફળિયામાં જાહેર રોડ ઉપર બપોરના એક વાગ્યાના અરસામાં તેની મોટરસાયકલ સ્લીપ ખાઈ જતા રોડ ઉપર મોટરસાયકલ સાથે ઘસડાતા નિલેશભાઈ વિનોદભાઈ ચારેલને મોઢાના ભાગે ડાબી આંખની બાજુમાં તેમજ ખભાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતા તેને સારવાર માટે તાત્કાલિક ફતેપુરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેનું સારવાર દરમ્યાન ગઈકાલે મોત નીપજ્યું હતું.આ સંબંધે મરણ જનાર નિલેશભાઈ ચારેલના પિતા વિનોદભાઈ સરદારભાઈ ચારેલે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
