દેવગઢ બારીયાના પીપલોદ રેલવે ફાટકની સમસ્યાના ઉકેલ માટે સાંસદ જસવંતસિંહ ભાભોરે DRM સાથે સ્થળ મુલાકાત કરાઈ
દાહોદ તા. ૪
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામે રેલવે ફાટક બંધ કરાતા સ્થાનિક લોકોને આશરે 4 કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડતો હોવાની સમસ્યાને લઈ આજે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે પશ્ચિમ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) સાથે રૂબરૂ સ્થળ મુલાકાત કરી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
મુલાકાત દરમિયાન સ્થાનિક નાગરિકો, વેપારીઓ અને રાહદારીઓને પડતી મુશ્કેલીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. રેલવે ફાટક બંધ થવાના કારણે દૈનિક અવરજવર, ટ્રાફિક તેમજ વેપાર-ધંધા પર પડતી અસર અંગે અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
આ દરમિયાન પીપલોદ ખાતે મંજૂર થયેલા ફૂટ ઓવર બ્રિજ (FOB)નું કામ ઝડપથી શરૂ કરવા માટે DRM દ્વારા સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.
સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે ફૂટ ઓવર બ્રિજનું નિર્માણ પૂર્ણ થતાં સ્થાનિક નાગરિકોની લાંબા સમયથી ચાલી આવતી અવરજવરની સમસ્યાનો ઉકેલ આવશે તેમજ વ્યવસ્થા વધુ સુગમ બનશે.
સ્થળ મુલાકાત દરમિયાન રેલવે વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
