*અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ: નાગરિકોને સતર્ક રહેવા અપીલ*

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ: નાગરિકોને સતર્ક રહેવા અપીલ*

દાહોદ,  તા. 30

હવામાન વિભાગ દ્વારા આગામી ૩૧ જુલાઈ અને ૧ ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને કલેક્ટરશ્રી દાહોદના માર્ગદર્શન અને સૂચના હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે સમગ્ર તંત્ર સંપૂર્ણ સજ્જ છે.

જિલ્લા વહીવટી તંત્ર દાહોદ દ્વારા તમામ તાલુકાઓમાં ક્લાસ-૧ અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેથી કોઈપણ પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક કામગીરી થઈ શકે. 

ઉપરાંત, બચાવ અને રાહત કામગીરી માટે NDRF અને SDRFની એક-એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જેમાં એક ટીમ દાહોદ ખાતે અને બીજી ટીમ દેવગઢ બારિયા ખાતે તૈનાત રાખવામાં આવી છે.

જિલ્લાના તમામ નાના-મોટા ડેમ અને જળાશયો પર સતત નજર રાખવામાં આવી રહી છે. પાણીના સ્તરમાં વધારો થતાં જ સિંચાઈ વિભાગ દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક એલર્ટ જાહેર કરી સ્થાનિક નાગરિકોને સમયસર જાણ કરવામાં આવશે.

બાળકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં દાહોદ જિલ્લામાં આવેલી તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, હાઈસ્કૂલો, કોલેજો, આંગણવાડીઓ તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓને આગામી બે દિવસ સુધી બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.

સલામતીના ભાગરૂપે સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના ચાલુ બાંધકામના કામો બે દિવસ માટે સ્થગિત રાખવા જણાવાયું છે. સાથે જ શહેરી વિસ્તારોમાં જોખમી હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ જર્જરિત મકાનોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

જિલ્લાની તમામ ગૌશાળાઓ અને પશુપાલકોને પશુઓને ખુલ્લા સ્થળે ન બાંધવા, તેમજ પૂરતું પાણી અને ઘાસચારાની વ્યવસ્થા જાળવવા પશુપાલન વિભાગ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

વીજ પુરવઠો અવિરત જળવાઈ રહે તે માટે MGVCLને પૂરતા મેનપાવર અને જરૂરી સાધન-સામગ્રી સાથે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. વીજ થાંભલા, ટ્રાન્સફોર્મર અથવા અન્ય વીજ સુવિધામાં કોઈપણ પ્રકારની ક્ષતિ સર્જાય તો તાત્કાલિક સમારકામ હાથ ધરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્ર તમામ નાગરિકોને અપીલ કરે છે કે, અતિ આવશ્યક કામ સિવાય ઘરની બહાર ન નીકળે, નદી-નાળા, તળાવ, ડેમ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળે, પાણી ભરાયેલા રસ્તા અથવા કોઝવે પરથી વાહન પસાર ન કરે તેમજ વીજળીના થાંભલા, ખુલ્લા વાયર અને અન્ય જોખમી સ્થળોથી દૂર રહે. 

કોઈપણ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનો તાત્કાલિક સંપર્ક કરવા પણ અનુરોધ કરવામાં આવે છે. 

જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત માધ્યમો દ્વારા જારી કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અને વહીવટી તંત્રને સંપૂર્ણ સહકાર આપવા અપીલ કરી છે.

00

Share This Article