ગરબાડાના વજેલાવમાં વરસાદથી ૨ કાચા મકાનો ધરાશાયી: પશુઓનો આબાદ બચાવ,

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડાના વજેલાવમાં વરસાદથી ૨ કાચા મકાનો ધરાશાયી: પશુઓનો આબાદ બચાવ,

ગરબાડા તા. 25

ગરબાડા તાલુકામાં પડેલા વરસાદને કારણે વજેલાવ ગામે મોટું નુકસાન થવાની ઘટના સામે આવી છે. વજેલાવ ગામના ભૂતવડ ફળિયામાં વરસાદના લીધે ૨ કાચા મકાનો અચાનક ધરાશાયી થઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ, આ ઘટના વજેલાવ ગામના રહેવાસી બારીયા મડુભાઈ અને બારીયા વિક્રમભાઈના મકાનોમાં બની હતી. વરસાદના કારણે મકાનો તૂટી પડતાં અંદર બાંધેલા ગાય, ભેંસ અને બકરાં કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે જહમત ઉઠાવીને કાટમાળ નીચે દબાયેલા તમામ પશુઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા, જેથી મોટી જાનહાની ટળી હતી.

જોકે, મકાનો તૂટી પડવાથી ઘરમાં રહેલો ઘરવખરીનો તમામ સામાન કાટમાળ હેઠળ દટાઈ જતાં બંને પરિવારજનોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રહેવા માટેનું છત્ર છીનવાઈ જતાં પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.

આ ઘટના અંગે સ્થાનિકો દ્વારા તલાટી ક્રમ મંત્રી તેમજ ગામના સરપંચને તાત્કાલિક જાણ કરવામાં આવી છે. પીડિત પરિવારોને થયેલા નુકસાનનો વહેલી તકે સરકારી સર્વે કરી યોગ્ય આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Share This Article