બાબુ સોલંકી :- સુખસર
*ગાંધીનગરમા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું:પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ ઉઠી*
સુખસર,તા.29

ગાંધીનગર સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ABPSS)નું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજવામાં આવ્યું હતું.જેમાં દેશના 20 રાજ્યોમાંથી આવેલા પત્રકારો, સંગઠનના હોદ્દેદારો તેમજ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત માં ઉમિયાની આરતી સાથે કરવામાં આવી હતી.
સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવાડિયાએ જણાવ્યું કે,વર્ષ 2016માં ચોટીલાથી શરૂ થયેલી સમિતિ આજે દેશના અનેક રાજ્યોમાં કાર્યરત છે.અને પત્રકારોના હિત તથા સુરક્ષા માટે સતત કાર્ય કરી રહી છે.તેમણે ગુજરાતમાં પણ પત્રકાર સુરક્ષા કાનૂન અમલમાં મૂકવાની માંગ સાથે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
કાર્યક્રમમાં ભાજપના મંત્રી કુંવરજી બાવળિયા,કાન્તિભાઈ અમૃતિયા,આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી,કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી,ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો હાજર રહ્યા હતા. ઈશુદાન ગઢવીએ મેદાનમાં કવરેજ દરમિયાન પત્રકારોને પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરી સુરક્ષા, વીમા, મેડિકલ સહાય અને અન્ય કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.
મહા અધિવેશનમાં ગુજરાતના બનાસકાંઠા,પાટણ,મહેસાણા, અમદાવાદ,ગાંધીનગર,દાહોદ પંચમહાલ,મહીસાગરરાજકોટ, જામનગર સહિત વિવિધ જિલ્લાઓના મોટી સંખ્યામાં પત્રકારોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે ધવલભાઈ માકડિયાએ આભારવિધિ કરી હતી.
