
લીમખેડાના મોટા હાથીધરાના હસ્તેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ:પૂજારીની સતર્કતાથી 16 કિલો ચાંદી બચી,
પોલીસ પોઈન્ટ મૂકવા અને પેટ્રોલિંગ વધારવા માંગ કરાઈ..
દાહોદ તા.06
લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગામે આવેલા પૌરાણિક શ્રી હસ્તેશ્વર મહાદેવ મંદિરમાં મધ્યરાત્રિએ ચોરીનો પ્રયાસ થયો હતો. જેમાં અજાણ્યા તસ્કરોએ મંદિરના ગર્ભગૃહનું તાળું તોડી પ્રવેશવાનો પ્રયાસ કર્યોહતો, પરંતુ પૂજારીની સતર્કતાને કારણે તેઓ સફળ થઈ શક્યા નહોતા અને ભાગી છૂટ્યા હતા.આ ઘટના મધ્યરાત્રિના આશરે 3:00 વાગ્યાની આસપાસ બની હતી. તસ્કરોની ટોળીએ મંદિરમાં ઘૂસણખોરી કરી, મુખ્ય દરવાજાનું તાળું તોડ્યું અને ગર્ભગૃહના દરવાજાને નુકસાન પહોંચાડ્યું. તેઓ ભગવાન શિવના શિવલિંગ પર લગાવેલા આશરે 15થી 16 કિલો વજનના ચાંદીના કવર તેમજ સોના-ચાંદીના અભૂષણો ચોરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દાનપેટીને પણ તોડવાનો તેમનો ઇરાદો હતો. ચોરીના પ્રયાસ દરમિયાન થયેલા ખખડાટના અવાજથી પૂજારી તુરનપુરી મહારાજ જાગી ગયા હતા. તેમણે જણાવ્યું કે, “ચોરોની ટોળીએ ગર્ભગૃહનું તાળું તોડ્યું, અવાજથી હું જાગ્યો અને તેઓ ભાગ્યા.
મંદિરમાં હું અને એક સેવક જ રહીએ છીએ, તેથી અમારા જીવનને જોખમ છે. આ અગાઉ પણ અનેક વખત ચોરી થઈ છે. પોલીસ અને સરકારને અપીલ છે કે મંદિર પર તાત્કાલિક પોલીસ પોઈન્ટ મૂકાય.”સાથે મોટા હાથીધરાના આગેવાન રાયસિંગ હઠીલાએ આ ઘટના અંગે જણાવ્યું કે, “મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા અને ચાંદીના કવરને ચોરી કરવાનો પ્રયાસ કર્યો. પૂજારી જાગ્યા ન હોત તો તેઓ સફળ થઈ જાત. અગાઉ પોલીસ બંદોબસ્ત હતો, પરંતુ હટાવી દેવાયો છે. તાત્કાલિક પોલીસ પોઈન્ટ અને પેટ્રોલિંગ વધારવાની માંગ છે.”ઘટનાની જાણ થતાં લીમખેડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે તૂટેલા તાળાંના ટુકડા, ઘૂસણખોરીના નિશાન અને સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. સ્થાનિકોની મદદથી તસ્કરોની ઓળખ અને તેમના ભાગવાના રસ્તા વિશે પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે.આ વિસ્તારમાં ચોરીની વધતી ઘટનાઓથી સ્થાનિકોમાં અસુરક્ષાનો અહેસાસ વધ્યો છે. મંદિરના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ સરકારને લેખિત અરજી પણ કરી છે. પોલીસ તપાસ ચાલુ છે અને તસ્કરોને પકડવા માટે વ્યાપક કાર્યવાહીની યોજના છે. આવી ઘટનાઓ અટકાવવા માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવી જરૂરી છે, જેથી ભક્તો અને સ્થાનિક વસ્તીને આશ્વાસન મળે તેમ છે.