
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ખાતે ધમધમતા જુગારધામ પર સ્ટેટ વિજિલન્સ ગાંધીનગર ના દરોડા બાદ પોલીસ અધિકારીઓ પર ગાજ પડી..
ફરજમાં બેદરકારી બદલ એક ASI તેમજ બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ:પીએસઆઇ લીવ રિઝર્વમાં મુકાયા: પોલીસ બેડામાં ચકચાર
દાહોદ તા.27
દાહોદ તાલુકાના ગલાલિયાવાડ ખાતે ધમધમતા જુગારધામ પર સ્ટેટ વિજિલન્સ ગાંધીનગરના દરોડા બાદ સ્થાનીક પોલીસ તંત્રની નિષ્ફળતા સામે આવતા પોલીસ અધિકારી તેમજ પોલીસ કર્મચારીઓ પર ગાજ પડવા પામી છે જેમાં જિલ્લા પોલીસવડાએ તાત્કાલિક અસરથી એક એએસઆઈ તેમજ બે કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દાહોદ ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઈને બદલી કરી પોલીસ હેડક્વાટર ખાતે લીવ રિઝર્વમાં મૂકી દેતા પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે
દાહોદ તાલુકાના ગલાલિયાવાડ ખાતે છેલ્લા કેટલાય દિવસથી સ્થાનિક પોલીસની મહેરબાનીથી ધમધમતા જુગારધામની બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સ ગાંધીનગરની ટીમે બે દિવસ અગાઉ ધમધમતા જુગારધામ પર દરોડો પાડતા નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા આ દરોડા દરમિયાન પોલીસે 43 હજારની રોકડ 75 હજારની કિંમતની ચાર મોટર સાઇકલો તેમજ સાત જેટલાં મોબાઈલ ફોન મળી 1.35 લાખના મુદ્દામાલ સાથે 11 જેટલાં ખેલીઓને ઝડપી પાડ્યા હતા જયારે દરોડા દરમિયાન જુગારધામનો અડ્ડો ચલાવનાર મુખ્ય સૂત્રધાર સહીત 11 જુગારીયાઓ પોલીસને ચકમો આપી ફરાર થયાં હતા જે બાદ દાહોદ ગ્રામ્ય પોલીસ મથકે સ્ટેટ વિજિલન્સની ટીમે ફરિયાદ નોંધાવતા ઉપરોકત જુગારના બનાવમાં ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ અધિકારી અને કર્મચારીઓની બેદરકારી સામે આવતા દાહોદ જિલ્લા પોલીસવડા હિતેશ જોયસરે તાત્કાલિક અસરથી ગલાલિયાવાડ બીટના એક એએસઆઈ તેમજ બે કોન્સ્ટેબલોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી પોતાની ફરજમાં બેદરકારી બદલ દાહોદ ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઈ એમ એફ ડામોરને લીવ રિઝર્વમાં બદલી કરી દેવાતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે
—————————————–