બાબુ સોલંકી :- સુખસર
*દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં આવેલા સરકારી તળાવની કરોડો રૂપિયાની કિંમતી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર દબાણ!?*
*ફતેપુરાના જાગૃત ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી (TDO) ને પુરાવા સાથે લેખિત અરજી સુપ્રત કરી તળાવની જમીન તાત્કાલિક મુક્ત કરાવવા માંગ*
સુખસર,તા.1
કરવામાં આવેલા આક્ષેપો મુજબ, વર્ષ ૨૦૦૨માં આ સરકારી તળાવ આશરે ૫.૩૦ એકર જેટલા મોટા વિસ્તારમાં ફેલાયેલું હતું.જોકે, સમય જતાં ભૂમાફિયાઓની ઘૂસણખોરી અને દબાણોના કારણે આજે આ વિશાળ તળાવ સંકોચાઈને માંડ ૨.૫૦ એકર જેટલું પણ રહ્યું છે. તળાવની પાળ તોડીને સરકારી જમીન પચાવી પાડવાનું આ કારસ્થાન લાંબા સમયથી ચાલી રહ્યું છે.
ગુજરાત સરકારના પરિપત્ર અનુસાર તળાવની પાળથી ૩૦ મીટરનો વિસ્તાર છોડીને જ કોઈપણ પ્રકારનું બાંધકામ કરી શકાય છે.તેમ છતાં આ નિયમોનો ભંગ કરી તળાવની હદમાં ઔદ્યોગિક અને વ્યાપારી પ્રકારનું ગેરકાયદેસર દબાણ ઊભું કરી દેવાયું છે.આ ઉપરાંત, લીલાવા તળાવની સિંચાઈની કેનાલ જે આ તળાવ પર આવતી હતી તેને પણ દબાવી દઈને ત્યાં ગેરકાયદેસર પ્લોટિંગની કામગીરી કરવામાં આવી છે.
અગાઉ જ્યારે ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ફતેપુરા પંચાયત દ્વારા નોટિસ આપીને કામગીરી બંધ કરાવવામાં આવી હતી.તેમ છતાં આ તત્વોએ પંચાયતની પરવાનગી લીધા વગર જ રાતોરાત પાકી કામગીરી શરૂ કરી દીધી હતી.આ અંગેના કાયદેસરના ફોટો-વીડિયો પુરાવા પણ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.
ભૂતકાળમાં જ્યારે આ તળાવનું ફેન્સિંગ કામ કરવામાં આવ્યું હતું.તે સમયે સિંચાઈ વિભાગ દ્વારા આજુબાજુના તમામ સર્વે નંબર ધરાવતા જમીન માલિકોને વળતર ચૂકવી દેવાયું હતું.જેની ફાઈલ સરકારી દફતરે મોજૂદ છે.અરજદારે તાલુકા વિકાસ અધિકારીને વિનંતી કરી છે કે, તળાવના રેવન્યુ સર્વે નંબર ૩૫૫ ની આજુબાજુ લાગતા વળગતા તમામ સર્વે નંબરોની તટસ્થ માઈક્રો માપણી કરાવવામાં આવે જેથી સરકારની માલિકીની મોટી જમીન ખુલ્લી થઈ શકે.સરકારી, ખાનગી જમીન ઉપર દબાણ કરતાં તત્વોને ફતેપુરા અને સુખસર તાલુકામા સરકારી વહીવટી તંત્રો દ્વારા છાવરવામાં કયા સંબંધથી છાવરવામાં આવે છે તે એક મોટો સવાલ છે!
