
રાજેશ વસાવે :- દાહોદ
સ્માર્ટ સિટી દાહોદના વિવિધ વિસ્તારોમાં સ્માર્ટ મીટરની કામગીરીનો આરંભ,પાંચ હજાર મીટર ઇન્સ્ટોલ કરાયા.
સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સરકારી કચેરીથી શરૂ કરાઈ, દાહોદમાં 40,000 સ્માર્ટ ઇન્સ્ટોલ કરાશે..
દાહોદ તા.24
સ્માર્ટ સિટી દાહોદમાં એમજીવીસીએલ દ્વારા કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરી છે. જેમાં સૌથી પહેલા શહેરમાં સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે.ત્યારબાદ હવે વિવિધ વિસ્તારોમાં મકાનોમાં મીટરો ફીટ કરાઇ રહ્યા છે.શહેરના વિવિધ વિસ્તારોમાં અત્યાર સુધીમાં 5 હજાર મીટર ફીટ કરી દેવામાં આવ્યા છે. શહેરની સરકારી કચેરીઓમાં પહેલાં જ સ્માર્ટ મીટરો ઇન્સ્ટોલ કરી દેવાયા હતાં.વીજ બિલ વધુ આવતુ હોવાના આક્ષેપો સાથે ગુજરાતના વિવિધ શહેરોમાં સ્માર્ટ મીટરનો લોકોએ વિરોધ કર્યો હતો, જેના કારણે આ કામગીરી થોડા સમય માટે પડતી મૂકવામાં આવી હતી. જોકે, દાહોદ શહેરમાં આ કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી છે. દાહોદ શહેરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જોકે આ કામગીરી અંગે દાહોદના લોકોના મિશ્ર પ્રતિભાવો જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો સ્માર્ટ મીટરના ફાયદાઓ જાણી તે લગાવવાની પરવાનગી આપી રહ્યા છે. જ્યારે કેટલાક લોકોમાં હજી પણ છુપો રોષ જોવાઇ રહ્યો છે.વીજ ચોરીને કાબુમાં લાવવા માટે સરકારી કચેરીઓ, ઘર સાથે ટ્રાન્સફોર્મરમાં પણ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
સ્માર્ટ મીટરથી પ્રજાને આ લાભ થશે :એ.કે.વાઘેલા સીટી ઇજનેર MGVCL
સ્માર્ટ મીટર વપરાશકર્તાઓને તેમના વીજ વપરાશની રીઅલ-ટાઇમ માહિતી પૂરી પાડે છે. આનાથી ગ્રાહક પોતાના વીજ વપરાશને વધુ સારી રીતે સમજી શકે છે અને વીજ બિલને નિયંત્રિત કરી શકે છે.
-બિલ વધારે આવવાની દહેશત છે લોકોમાં એવુ નથી સ્માર્ટ મીટર રીઅલ-ટાઇમમાં ડેટા મોકલે છે, જેનાથી માનવીય ભૂલની શક્યતા ઓછી થાય છે અને બિલિંગમાં ચોકસાઈ વધે છે. સ્માર્ટ મીટર વપરાશકર્તાઓને તેમના વીજ વપરાશને વધુ સારી રીતે નિયંત્રિત કરવાની ક્ષમતા આપે છે. તેઓ તેમના વપરાશને મોનિટર કરી શકે છે અને વધુ વપરાશવાળા ઉપકરણોને ઓળખી શકે છે. જેમાં કોઇ જ સમસ્યા નહીં નડે. સ્માર્ટ મીટર MGVCL ને વીજ સમસ્યાઓને ઝડપથી ઓળખવામાં મદદ કરશે. જેનાથી વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત થઈ શકે છે. વપરાશકર્તાઓને તેમના વપરાશ મુજબ ચૂકવણી કરવાની સુવિધા આપે છે. એટલું જ નહીં સ્માર્ટ મીટર MGVCL ને વીજળીના વપરાશ અને વિતરણને વધુ સારી રીતે સંચાલિત કરવાની ક્ષમતા આપે છે, જેનાથી કાર્યક્ષમતા વધે છે. સ્માર્ટ મીટર વીજળીની ચોરીને શોધવામાં મદદ કરશે.જેનાથી MGVCL ને આવકમાં વધારો થશે. આ સાથે વીજ સમસ્યાઓને ઝડપથી ઓળખવામાં મદદ કરે છે, જેનાથી વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત કરી શકાશે.