
રાજેશ વસાવે :- દાહોદ
*વિશ્વ ક્ષય દિવસ- ૨૪ માર્ચ-દાહોદ*
*જિલ્લા સેવા સદન દાહોદ ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં વિશ્વ ક્ષય દિવસ- ૨૪ માર્ચને અનુસંધાને ટીબી મુકત પંચાયતની બેઠક યોજાઈ*
*દાહોદ જિલ્લામાં કુલ ૬ ગામોને ક્ષય મુક્ત જાહેર કરવામાં આવ્યા તે દાહોદ જિલ્લા માટે ગૌરવની વાત છે – કલેકટરશ્રી યોગેશ નિરગુડે*
દાહોદ તા. 24
જિલ્લા સેવા સદન, સરદાર પટેલ સભાખંડ, દાહોદ ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે બેઠક યોજવામાં આવી હતી. સેન્ટ્રલ ટીબી ડિવિઝન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નવી દિલ્હી અને પંચાયતી રાજ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા ટીબી મુક્ત પંચાયત – ૨૦૨૪ અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ ક્ષયના રોગની નાબુદી માટે કામગીરીને વેગ આપવામાં આવ્યો હતો. તે સંદર્ભે દાહોદ જિલ્લાના કુલ ૬ ગામોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા.
આ દરેક ગામોમાં ટીબી દર્દીઓની નિયમિત સારવાર આપવામાં આવતી હતી. ઉપરાંત દવાઓની અસરકારકતા, નિક્ષય પોષણ યોજના દ્વારા આપવામાં આવતા લાભ, પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ નિક્ષય મિત્ર દ્વારા ન્યુટ્રીશીયન સપોર્ટ જેવા મહત્વની બાબતો અંગેની સમયસર જાણકારી સહિત તેઓનું નિરીક્ષણ કરવા માટે વેરિફિકેશન ટીમની રચના પણ કરવામાં આવી હતી.
આ બેઠક દરમ્યાન દાહોદ જિલ્લાના દે.બારિયા તાલુકામાંથી ટીમરવા, માંડવ, પાણી વાસણ ગામો અને ધાનપુર તાલુકામાંથી અંધારપુરા તેમજ ફતેપુરા તાલુકામાંથી મોટી ચરોલી અને પાતી, આમ કુલ આ તમામ ૬ ગ્રામ પંચાયતોને ક્ષય મુક્ત જાહેર કરવામાં આવતાં કલેકટરશ્રીના વરદ હસ્તે સંબંધિત ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓને ટીબી મુકત પંચાયતનું પ્રમાણપત્ર, ગાંધીજીની બ્રોન્ઝ અને સિલ્વર પ્રતિમા આપી સન્માન કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ નિમિતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ ક્ષય મુક્ત જાહેર થનાર ગામોના સરપંચશ્રીઓને અભિનંદન પાઠવતા કહ્યુ હતુ કે, ગામના સરપંચશ્રીઓ માટે તેમજ દાહોદ જિલ્લા માટે આ ગૌરવની વાત છે. આટલા ગામો ક્ષય મુક્ત જાહેર થવા માટેની સતત પ્રયત્નશીલ રહી કામગીરી કરવા માટે દરેક સરપંચ અને આરોગ્ય કર્મચારીઓને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અભિનંદન પાઠવવામાં આવે છે.
આ બેઠકમાં જિલ્લા ક્ષય કેન્દ્રના ડૉ. આર. ડી. પહાડિયા, આરોગ્ય સ્ટાફ તેમજ દેવગઢબારીયા, ધાનપુર, ફતેપુરા સહિતના તાલુકાઓના સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા.
૦૦૦