![દાહોદ જિલ્લામાં કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને ઝાલોદ તાલુકાના ખાખરીયા પ્રાથમિક શાળા ખાતે રાત્રિ સભા યોજાઈ*](https://dahodlive.com/wp-content/uploads/2025/01/IMG-20250109-WA0035-770x377.jpg)
દક્ષેશ ચૌહાણ.ઝાલોદ
*દાહોદ જિલ્લામાં કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને ઝાલોદ તાલુકાના ખાખરીયા પ્રાથમિક શાળા ખાતે રાત્રિ સભા યોજાઈ*
*ગામમાં થયેલ વિકાસના કામો, ગામજનોને પડતી મુશ્કેલીઓ અને પ્રશ્નોની જાણકારી લઇ કામગીરીની સમીક્ષા કરાઈ*
ઝાલોદ તા. ૯
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલ ખાખરીયા પ્રાથમિક શાળા ખાતે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજવામાં આવી હતી.
રાત્રી સભા દરમ્યાન કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા જિલ્લામાં ચાલતી સરકારની વિવિધ યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ગામજનો સાથે વિવિધ વિભાગોની કામગીરીની અંગેની ચર્ચા – વિચારણા પણ કરવામાં આવી હતી. ઉપરાંત ગામના થયેલ વિકાસના કામો, ગામજનોને પડતી મુશ્કેલીઓ અને પ્રશ્નોની જાણકારી લઇ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જે દરમ્યાન દાહોદ જિલ્લા કલેકટરશ્રી દ્વારા ગ્રામજનોની રજુઆતોનો વહેલામાં વહેલી તકે નિકાલ કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.
રાત્રી સભા પૂર્ણ થયા બાદ દાહોદ કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા ખાખરીયા ગ્રામ પંચાયત કચેરી ની મુલાકાત લેવામાં આવી હતી જે દરમિયાન ત્યાંની દફતર ચકાસણી કરવામાં આવી હતી. કલેકટરશ્રી દ્રારા ઝાલોદ મામલતદાર કચેરીની પણ મુલાકાત લેવામાં આવી હતી. જે દરમ્યાન કચેરીની વિવિધ શાખાઓની મુલાકાત થકી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઝાલોદ મામલતદાર કચેરીની વિવિધ શાખાઓના કર્મચારીઓને જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા સંબંધિત સુચનાઓ પણ આપવામાં આવી હતી.
રાત્રી સભા દરમ્યાન ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીશ્રી કે. એચ. ગઢવી, ઝાલોદ મામલતદારશ્રી શૈલેન્દ્ર એમ પરમાર, ચાકલીયા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ વી વસાવા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી તુષાર ભાભોર, એમજીવીસીલ અધિકારીશ્રી વસૈયા ઝાલોદ પ્રાંત કચેરીના શિરસ્તેદાર શ્રી ચિમન વહોનિયા, નાયબ મામલતદાર શ્રી તેજસ અમલીયાર સહિત અન્ય સંબંધિત અધિકારીશ્રીઓ તેમજ ખાખરીયા પુર્વ સરપંચ,ખાખરીયા તલાટી કમ મંત્રી શ્રી, ખાખરીયા ગ્રામ પંચાયતનાં વહીવટદાર શ્રી ગામનાં આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા.