રાજેશ વસાવે :- દાહોદ
*પ્રાકૃતિક ખેતી – દાહોદ*
*મંડાવાવ ખાતે પ્રાકૃતિક ખેતી અંતર્ગત ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઈ*
*રસાયણમુક્ત જમીન પાકની ફળદ્રુપતામાં વધારો કરે છે.*
દાહોદ તા. ૧૮
રાજયભરના તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિને ૧૦૦ ટકા અપનાવે એવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, એ સાથે રાજ્યમાં મોટાભાગના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે જે પ્રાકૃતિક ખેતીની સફળતા માની શકાય તેમ છે. રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ, બાગાયતી વિભાગ તેમજ આત્મા પ્રોજેક્ટની ટીમ દ્વારા જિલ્લા મુજબ ખેડૂતોને ગામેગામ જઈને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપી આ ખેતી પદ્ધતિ અંગેની વિશેષ જાણકારી સાથે માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે.
પ્રાકૃતિક ખેતી અંતર્ગત દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદ જિલ્લો એ આદિવાસી વિસ્તાર ધરાવતો અને મોટેભાગે જમીન સાથે જોડાયેલા ખેડૂતોનો જિલ્લો છે. અહીંના લોકોનો મૂળ વ્યવસાય ખેતી છે, તેઓ પોતાની ખેતી પર નિર્ભર છે. દાહોદ જિલ્લાના ખેડૂતો પણ હવે પ્રાકૃતિક ખેતી અંગે પોતાનું યોગદાન આપી રહ્યા છે, તેઓ પણ પ્રાકૃતિક ખેતી તરફ વળીને પોતાની સુકાઈ ગયેલી અને નિર્જીવ થઇ ગયેલી જમીનને ફરીથી જીવંત કરવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવતા થયા છે.
ખેતીવાડી વિભાગ, બાગાયતી વિભાગ તેમજ આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ક્રમે સમગ્ર જિલ્લામાં ખેડૂતોને ભેગા કરીને ક્લસ્ટર બેઝ તાલીમ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત મંડાવાવ ખાતે પ્રાકૃતિક ખેતીને ધ્યાને રાખીને ક્લસ્ટર બેઝ તાલીમ આપવામાં આવી હતી, જે દરમ્યાન ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અંગે પણ વિસ્તાર પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી અને પ્રાકૃતિક ખેતી કઈ રીતે ફાયદાકારક છે તે અંગે સમજ આપવામાં આવી હતી.
૦૦૦