રાજેશ વસાવે :- દાહોદ
*દિવાળીના તહેવારોને અનુલક્ષીને ફટાકડા ફોડવા અંગેનું જાહેરનામું બહાર પાડતાં દાહોદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી*
*હંગામી ફટાકડા લાયસન્સ મેળવેલ ન હોય તેવા કોઈપણ વેન્ડર, લારી-ગલ્લા, ટેમ્પરરી શેડ બાંધીને ફટાકડાનું વેચાણ કરી શકશે નહી*
દાહોદ તા. ૧૭
આગામી દિવસોમાં દિવાળી/નુતન વર્ષનો તહેવાર આવતો હોવાથી ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ મળેલ સત્તાની રૂએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દાહોદ દ્વારા ફટાકડા ફોડવા અંગે જાહેરનામું ફરમાવવામાં આવે છે.
*કૃત્યો*
૧) નામ. સુપ્રિમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવે છે. આ સિવાયના તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર નામ. સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ છે.
૨) ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતા બાંધેલા ફટાકડા (Joint firecrackers, Series crackers or Laris) પર પ્રતિબંધ મુકવામાં આવે છે.
૩) ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ દ્વારા કરવાનું રહેશે. આ વેપારીઓ સુપ્રિમ કોર્ટના તા.૨૩/૧૦/૨૦૧૮ના આદેશ મુજબ પરવાનગી આપવામાં આવેલ ફટાકડાઓનું જ વેચાણ કરવાનું રહેશે.
૪) ઉપરાંત તમામ ઈ-કોમર્સ વેબસાઈટને ઓનલાઇન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકેલ છે.
૫) ફટાકડા બનાવવા માટે બેરીયમના ઉપયોગ પર નામ. સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મુકેલ છે.
૬) દેવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા ફોડવામાં આવે છે તેમા ફટાકડા રાત્રિના ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાક દરમિયાન જ ફોડી શકાશે. તેમજ ક્રિસમસ અને નુતન વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે ૨૩:૫૫ કલાકથી ૦૦:૩૦ કલાક સુધી જ ફોડી શકાશે.
૭) આ ઉપરાંત હંગામી ફટાકડા લાયસન્સ મેળવેલ ન હોય તેવા કોઈપણ વેન્ડર, લારી-ગલ્લા, ટેમ્પરરી શેડ બાંધીને ફટાકડાનું વેચાણ કરી શકશે નહી.
૮) ડીરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સ, નવી દિલ્લીના તા.૧૯/૧૦/૨૦૨૦ના અ.સ.પત્ર ક્રમાંક : 50/13/2014-CI(Pt.)/4807 ની સુચના અનુસાર વિદેશી બનાવટના ફટાકડાનું ગેરકાયદેસર આયાત, સંગ્રહ કે વેચાણ કરી શકાશે નહીં.
૯) લોકોને અગવડ ઉભી ન થાય, કોઈ પણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે દાહોદ જિલ્લાના સમગ્ર વિસ્તારના બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ, એલ.પી.જી બોટલીંગ પ્લાન્ટ, ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોના સંગ્રહ કરેલા ગોદામો નજીક ફટાકડા ફોડી શકાશે નહી.
૧૦) હોસ્પિટલો, નર્સિંગહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાઈલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.
*વિસ્તાર*
સમગ્ર દાહોદ જિલ્લો અથવા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, દાહોદની હકુમતનો સમગ્ર વિસ્તાર
*પ્રતિબંધિત સમયગાળો*
આ હુકમ તા.૧૫/૧૦/૨૦૨૫ થી તા.૨૮/૧૦/૨૦૨૫ (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે
*શિક્ષા*
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉચ્ચ કક્ષાના હોય તેવા પોલીસ અધિકારી/કર્મચારીઓને પોલીસ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે. એમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે. એમ. રાવલ દ્વારા જણાવાયુ છે.
૦૦૦