Friday, 01/03/2024
Dark Mode

દે. બારીયાના ભૂલવણ ગામે બીજા દિવસે વધુ ત્રણ વ્યક્તિઓના શંકાસ્પદ મોત:મૃત્યુઆંક 7 ઉપર પહોંચ્યો..

December 14, 2021
        1287
દે. બારીયાના ભૂલવણ ગામે બીજા દિવસે વધુ ત્રણ વ્યક્તિઓના શંકાસ્પદ મોત:મૃત્યુઆંક 7 ઉપર પહોંચ્યો..

રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ જિલ્લામાં ભૂલવણ ગામે વધુ ત્રણ વ્યક્તિઓના શંકાસ્પદ મોત: મૃત્યુઆંક 7 ઉપર પહોંચ્યો

 ગામના દેવની જગ્યાએથી પડેલી સામગ્રી રાતોરાત સાફ કરાઈ, પ્રસાદીરૂપે 5 બકરાનુ મટન 150 લોકોએ ખાધું

દેવગઢ બારીયાના ભુલવણમાં દેવની પૂજા-અર્ચના માં બનેલા બનાવની તપાસ માટે ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે

અત્રે ઉલ્લેખનીય છે કે ગામે વર્ષોથી દેવોની પૂજા ની પ્રથા છે..

 ઘટનાસ્થળે અવલોકનમાં દારૂ કફ સિરપની બોટલો મળી:લોહીના ડાઘ પણ મળ્યા

દેવપુજનમાં બલી ચેડાવેલા બકરાના મટનના ભોજન સામે દારૂ પણ પીધો હોવાની કડીઓ મળી

 આરોગ્ય વિભાગ દ્વારા ખોરાકી ઝેરની અસરને ડામવા હેલ્થ સર્વેક્ષણ હાથ ધર્યું..

જંતુનાશક દવાઓના લીધે ખોરાકી ઝેરની અસર થઈ હોવાની આશંકા.

 જાતર વિધિ કરનાર ભુવાનું સૌપ્રથમ મોત: બે સ્થળેથી પૂજન ની તમામ સામગ્રીઓ સગેવગે કરાઈ

દાહોદ તા.14

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના બૈણા ભુલવણ ગામે કથિત ફૂડ પોઇઝનિંગ બનાવમાં વધુ ૩ વ્યક્તિઓના મોત નિપજતાં મૃત્યુ આંક ૭ પર પહોચ્યો છે. હજી પણ દસ જેટલા લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અસરગ્રસ્તૌ પૈકીના વધુ ગંભીર એવા દર્દીઓને વધુ સારવાર માટે દાહોદ ઉપરાંત ગોધરા અને વડોદરા ખસેડવામાં આવ્યા છે. પોસ્ટ મોર્ટમના પ્રાથમિક અહેવાલમાં ઝેરની અસરના કારણે જ લોકોના મોત નિપજ્યા હોવાનું બહાર આવ્યુ છે. આ ખોરાકી ઝેર કે ઝેરી દારૂની અસર? તે મામલે અન્ય રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. ગામની સુખ શાંતિ માટે દેવોના પુજન માટે જાતરવિધિ રાખવામાં આવી હતી. જેમાં બકરાની બલી પણ ચડાવવામાં આવી હતી. જે બકરાનું મટન પ્રસાદીરૂપમાં આરોગવામાં આવ્યા હોવા બાદ આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે. ભોજનની સાથે દારૂ પણ પિવામાં આવ્યો હોવાના કેટલાક પુરાવા તપાસ દરમિયાન બહાર આવ્યા છે. જો કે, ઘટના બનતાની સાથે બનાવના સ્થળે સાફ સફાઇ પણ કરી દેવામાં આવી છે. એક તબક્કે તો સ્થાનીક ગ્રામજનોએ મૃતકોના પોસ્ટમોર્ટમ પણ નહી કરવાનો આગ્રહ રાખ્યો હતો, આખરે ઉચ્ચ અધિકારીઓએ સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.

દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામના દેવની પૂજા અર્ચના માં બનેલ બનાવની તપાસ માટે ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે

દેવગઢ બારિયા તાલુકાના બૈણા ભુલવણ ગામે દેવને ધાર્મિક પૂજા વિધિમાં દેવની દસ દિવસની પૂજા અર્ચના કરવામાં આવી હતી. તારીખ ૧૧મીએ સાંજે પાંચ વાગે દેવને એક બકરાનો ભોગ ચઢાવવામાં આવ્યો હતો. તેનું અડધુ મટન પૂજાના સ્થળે ભેગા થયેલા ગામના માણસોએ જાતે બનાવીને આરોગ્ય હતુ. અડધુ મટન બીજા દિવસે તારીખ ૧૨મીના રોજ સાંજના સમયે બનાવવા માટે રાખ્યુ હતુ. તે દિવસે ગામમાંથી વધુ ચાર બકરાઓનો ભોગ ચડાવવામાં આવ્યો હતો. આ ચાર બકરા અને અન્ય એક બકરાનું અડધુ મટન બનાવીને ગામલોકોએ ભોજન લીધુ હતુ. બાદમાં તારીખ ૧૩મીના રોજ એક બકરીનો ભોગ ચડાવવામાં આવ્યો હતો. આ તમામ બકરાના ભાગ પાડીને તારીખ ૧૩મીએ બપોરે જમણવાર કર્યો હતો. ત્યાર બાદ બપોરે સાડા ત્રણ વાગ્યાથી કેટલાક લોકોને ઝાડા ઉલ્ટી શરૂ થઇ ગયા હતા. 

તેઓ્ને તાત્કાલીક દેવગઢબારીયા સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સૌ પ્રથમ બૈણા ભુલવણના જ કનુભાઇ સોમાભાઇ માવી તથા બાબુ ફુલજીભાઇ માવીનું મૃત્યુ થયુ હતુ. બાદમાં દલસીંગભાઇ ઘનજીભાઇ માવી અને શનાભાઇ ભવાનભાઇ માવીનું તેમના ઘરે જ મૃત્યુ થયુ હતુ. અન્ય અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન સ્થિતી ગંભીર બનતા પર્વત રૂપાભાઇ પસાયાને વધુ સારવાર માટે દાહોદ અને ગોધરા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે તેમનું મોત નિપજ્યુ હતુ. આ ઉપરાંત નટુભાઇ જોરીયાભાઇ મોહનીયા અને દીપસીંગભાઇ મોહનભાઇ વડેલનું વધુ સારવાર માટે દાહોદ થી ગોધરા લઇ જવામાં આવતી વેળાએ જ મૃત્યુ થયુ હોવાનું જાણવા મળે છે. અન્ય એક મનુભાઈ છીતાભાઈ પસાયા અને ગોધરા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યાં તેમની તબિયત હાલ સ્થિર  હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવ ની  ગંભીરતાને લઇ મોડી રાતના જિલ્લા કલેકટર  હરસિધ્ધ ગોસાવી તેમજ  જિલ્લા પોલીસ વડા દેવગઢબારિયા હોસ્પિટલ ખાતે દોડી આવી બનાવનો તાગ મેળવી વધુ તપાસ ના આદેશ આપ્યા છે.  પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  ત્યારે આ બનાવને લઇ આરોગ્ય ટીમ સહિત મામલતદાર, પ્રાંત અધિકારી સહિત પોલીસ  સવારથી જ ગામમાં ધામા નાખી તપાસ હાથ ધરી છે.  મૃતકોના પોસ્ટમોર્ટમ કરીને વિશેરા લઇ FSl માં મોકલી આપ્યા હોવાનું જાણવા મળેલ છે. એક તબક્કે તો સ્થાનીક રહીશોએ મૃતકોના પોસ્ટમોર્ટમ માટેનો ઇન્કાર કરતાં મામલો ઘોંચમાં પડ્યો હતો. પરંતુ ઉચ્ચ અધિકારીઓની સમજાવટથી આખરે મામલો થાળે પડ્યો હતો. 

બૈણા ભુલવણ ગામે વર્ષોથી ચાલતી પરંરાગત દેવોનું પુજન શુ છે?

દેવગઢબારીયાના અંતરીયાળ વિસ્તારમાં આવેલ બૈણાં ભુલવણ ગામમાં વર્ષોથી દેવોનુ પુજન કરીને બકરા-બકરીનો ભોગ ચઢાવવાનો રિવાજ ચાલતો હોય છે. ગામના આગેવાનો ભેગા થઇને ગામની સહમતિથી જ નવ દિવસનું દેવ પુજન કરતા હોય છે. પ્રથા મુજબ ગામના માણસો દેવ પુજનના દિવસે આખો દિવસ ઉપવાસ કરીને સાંજના સમયે અલગ અલગ ફળીયામાંથી જમવાનો સરસામાન આવે તે મુજબ જાતીને જમવાનું બનાવીને ઉપવાસ છોડતા હોય છે. દેવ પુજન ટાણે બકરાની બલી ચડાવવામાં આવતી હોય છે. ભોગ ચડાવેલ બકરાનું મટન પ્રસાદીરૂપે જમતા હોય છે. તેની સાથે ખાણી પીણી ચાલતી હોય છે.  

ઘટના સ્થળે અવલોકનમાં દારૂ, કફ સિરપની બોટલો મળી:લોહીના પણ ડાઘ મળ્યા

બૈણા ભુલવણ ગામે નિશાળ ફળીયામાં બાલવાડીની સામે જવનસિંગ દેસીંગભાઇ પસાયાના ખેતર અને નિરંજનભાઇ રામભાઇ પસાયાના રહેણાંક મકાન પાસે ઘટના સ્થળે પોલીસે પંચનામું કરતાં કેટલીક કડીઓ મળી આવી હતી. સ્થળ પરથી તપેલા, નળી, માટલા, દેગડો વગેરે મળી આવ્યા હતા. જવનસિંગના ખેતરમાં વિવિધ ઠેકાણા રાખ તથા પાંદડા પડેલી હતા. એક ખૂણામાં સફેદ રંગનો પાવડર, ગોલ્ડ રીઝર્વ વ્હીસ્કીના લખાણ વાળી બોટલ, એક પ્લાસ્ટીકની બોટલ (CHERYTS – DMR Cough Syrup લખાણ હતુ), રતાશ પડતાં ડાઘા પણ મળી આવ્યા હતા. રૂધિરની હાજરી હોવાનું પ્રાથમિક પરિક્ષણમાં જણાતુ હતુ. આ રૂધિર માનવ રૂધિર છે કે કેમ તે ચકાસવા માટે સેમ્પલ પણ કબ્જે લેવામાં આવ્યા હતા. 

ખોરાકી ઝેરની અસર ડામવા ગામમાં હાથ ધરવામાં આવ્યુ છે હેલ્થ સર્વેક્ષણ
 
જાતરવિધિમાં ભાગ લેનાર ગામવાસીઓમાં પોઈઝનિંગનો ફેલાવો રોકવા આરોગ્ય વિભાગના ભુલવણમાં એક્શનમાં આવી ગયુ છે. જાતર વિધિ કર્યા બાદ ૧૫૦ ઉપરાંત લોકોએ ખોરાક આરોગ્યા હોવાની માહિતી સપાટી પર આવતા  આરોગ્ય તંત્ર ચોંકી ઉટ્યુ હતુ. જો કે દાતા વિધિમાં ખોરાક આરોગનાર લોકોમાં ખોરાકી ઝેરની અસર ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં ધામા નાખી હેલ્થ સર્વેક્ષણ શરૂ કરી દેવામાં આવ્યો હતો. 

જંતુનાશક દવાઓની લીધે ખોરાકી ઝેરની અસર થઇ હોવાની આશંકા
 
મૃતકોના પોસ્ટમોર્ટમ બાદ પ્રાથમિક રિપોર્ટ મુજબ તબીબોના મતે ઓર્ગન ફોસ્ફરસ એટલે જંતુનાશક દવાના લીધે ખોરાકી ઝેરની અસર હતા.  તબીબોએ મૃતકોના પીએમ કર્યા વિશેરાના નમૂના એફએસએલમાં માટે મોકલી દેવામાં આવ્યા છે. ખરેખર આ ઘટના કેવી રીતે બની? તે સમગ્ર મામલાનો પર્દાફાસ તેનો રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે તેમ માનવામાં આવી રહ્યુ છે. કેટલાક કિસ્સાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં બકરાનેા શરીર પર કોઇ બિમારી ન થાય તેના માટે તેની પર જંતુનાશક દવાઓ છાંટવામાં આવતુ હોવાનુ માનવામાં આવે છે. તેની પણ ખોરાકમાં અસર થઇ હોવાનું અનુમાન થઇ રહ્યુ છે. 

જાતરવિધિ કરનાર ભુવાનું સૌપ્રથમ મોત :બે સ્થળેથી પૂજાને તમામ સામગ્રી સગેવગે કરાઈ

જાતર વિધિમાં ખોરાક આરોગ્યા બાદ  ખોરાકી ઝેરની અસરથી  મૃત્યુનો સિલસિલો શરૂ થયો હતો. જેમાં જાતરની વિધિ કરાવનાર ભુવાનું સૌપ્રથમ મોત નીપજ્યું હતું. ત્યારબાદ સમગ્ર મામલામાં જે સ્થાને જાતરની વિધિ ચાલી રહી હતી. તે સ્થાનેથી તમામ સામગ્રી ગાયબ થઈ જતા અનેક શંકા-કુશંકાઓ વચ્ચે તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે આ બનાવમાં મૃત્યુ પામનાર લોકોના પીએમ માટે લાવવાની જગ્યાએ પરિવારજનો લાશને ઘરે લઈ જતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ભૂલવણ ખાતે દોડી આવી ગ્રામજનોને સમજાવવાના પ્રયાસો કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!