રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદ ખાતે રોજગાર ભરતી મેળો સહિત સ્વરોજગાર માર્ગદર્શન અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજાયો*
દાહોદ તા. ૩૧
જિલ્લા રોજગાર કચેરી, દાહોદ દ્વારા દાહોદ જીલ્લાના ૧૮ થી ૩૫ વર્ષના ધો ૮ પાસ, ૧૦ પાસ, આઈ.ટી.આઈ., ૧૨ પાસ, ડીપ્લોમા, ગ્રેજ્યુએટ જેવી લાયકાત ધરાવતા ભાઈઓ અને બહેનો માટે જિલ્લા સેવા સદન, છાપરી ખાતે રોજગાર ભરતી મેળો યોજવામા આવ્યો હતો.
આ ભરતી મેળા દરમ્યાન ૪ જેટલા નોકરીદાતાઓ દ્વારા ૧૯૫ જેટલી જગ્યાઓ માટે ઈન્ટરવ્યુ લેવામા આવ્યા હતા. ભરતી મેળામાં કુલ ૨૨૦ જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાથી ૯૦ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામા આવી હતી.
આ નિમિતે કાઉન્સેલર દ્વારા સ્વરોજગાર લોન સહાય તેમજ ફ્રી વોકેશનલ તાલીમ માટે ૩૪ ઉમેદવારોની અને અગ્નીવીર નિવાસી તાલીમ માટે ૨૭ ઉમેદવારોની પસંદગી કરવામા આવી હતી. ઉપરાંત રોજગારલક્ષી ઓનલાઈન અનુબંધમ પોર્ટલ માટે ૩૫ ઉમેદવારોના નામ નોંધણી ફોર્મ ભરવામા આવ્યા હતા.
રોજગાર ભરતી મેળો જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ ભરતી મેળામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
આ અવસરે જિલ્લા રોજગાર અધિકારીશ્રી અલ્પેશ ચૌહાણ, મહિલા અને બાળ કલ્યાણ કચેરી, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તેમજ બાળ સુરક્ષા એકમના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦