રાજેશ વસાવે :- દાહોદ
*વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરની ઉજવણીનો ઉત્સવ એટલે વન મહોત્સવ*
*દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને ૭૫ મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો*
*મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા*
*”આ કાર્ય ફક્ત કોઈ એક વિભાગ પૂરતું સીમિત નથી પરંતુ આપણા સૌ કોઈનું સહિયારું છે, આપણે ફક્ત વૃક્ષ વાવવાનું જ નથી પરંતુ એનું જતન પણ કરવાનું છે.- મંત્રીશ્રી બચુભાઈ ખાબડ*
દાહોદ તા. ૧૨
દાહોદ જિલ્લામાં પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને લીમખેડા તાલુકામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલય – ૨ ખાતે ૭૫ મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી બચુભાઈ ખાબડએ જણાવ્યું હતું કે, આપણે ફક્ત વૃક્ષ વાવવાનું નથી પરંતુ એનું જતન પણ કરવાનું છે. આ વન મહોત્સવની ઉજવણીમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વનો સ્થાપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ ધપાવી રહ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દર વર્ષે યોજાતા વન મહોત્સવના માધ્યમથી લોકોને વૃક્ષોના મહત્વ અંગેનો સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે પ્રધાનમંત્રીશ્રીના હરિત ક્રાંતિના સંકલ્પને સાર્થક કરવા માટે ‘એક પેડ મા કે નામ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એક વૃક્ષ વાવીને પર્યાવરણ બચાવવાના આ અભિયાનમાં સરકાર સાથે સહભાગી બને તો આ અભિયાનને વધુ સાર્થક કરી શકાય. આપણે બધાએ મળીને આ કાર્ય કરવાનું છે. આ કાર્ય ફક્ત વન વિભાગનું જ નથી આપણે સૌએ એમાં ભાગીદારી કરવાની છે. પ્રકૃતિ અને પર્યાવરણ બચાવીશું તો આવતી પેઢીને જ લાભદાયી નીવડશે. વધુમાં વધુ વૃક્ષોના વાવેતર સાથે જતન અને ઉછેર કરીને હરિયાળુ ગુજરાત બનાવવા આહવાન કર્યું હતું એમ એમણે વધુમાં ઉમેર્યું હતું.
પ્રાકૃતિક ખેતી પર ભાર મુકતા તેમણે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ આપણી પ્રકૃતિને સાચવનારી ખેતી છે. પ્રકૃતિ સચવાશે તો આવનાર પેઢીનું ભવિષ્ય સચવાશે. સૃષ્ટિ તેમજ પર્યાવરણને સાચવીશું તો ગ્લોબલ વોર્મિંગમાં થતા પ્રશ્નો, ઓક્સિજનને લગતા પ્રશ્નો ઓછા થશે. વાતાવરણ અને અનાજ – પાણી ચોખ્ખા મળશે તો ધરતી અને તમામ જીવોનું સ્વાસ્થ્ય સુધરશે એમ કહેતા તેમણે તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની હાકલ કરી હતી.
આ પ્રસંગે સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરએ જણાવ્યું હતું કે, એ સમય હવે દૂર નથી કે જયારે દાહોદને સિંચાઈ માટે પાણીની કોઈપણ પ્રકારની તકલીફ ન પડે. નર્મદાના નીર દાહોદની ધરતી પર વહેશે. જેનાથી ખેડૂતોને સિંચાઈ માટે કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. આ ઉપરાંત વૃક્ષના જતન અને ઉછેર સાથે સંકળાયેલી આવી પ્રવૃત્તિઓમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તેવા પ્રયાસો કરવા પણ તેમણે ઉમેર્યું હતું. એ ઉપરાંત એમણે ઉમેર્યું હતું કે, દાહોદમાં એરપોર્ટ હશે એ સમય હવે બઉ દૂર નથી.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રોડ પરની વૃક્ષોની હરાજીના ઉપજની રકમના ચેક જિલ્લાના ગરબાડા તેમજ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ અન્ય નર્સરીઓના લાભાર્થીઓને ચેક વિતરણ પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમ્યાન નશા મુક્તિ અભિયાન અંતર્ગત સૌએ ઉભા થઈને દાહોદ જિલ્લાને નશા મુક્ત કરાવવા માટેની પ્રતિજ્ઞા લીધા હતી.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને વૃક્ષ રથને લીલી ઝંડી આપી હતી.
વન મહોત્સવના આ કાર્યક્રમ નિમિતે સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, ધારાસભ્યશ્રી શૈલેષભાઇ ભાભોર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, નાયબ વન સંરક્ષકશ્રી અમિત નાયક, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, પ્રાંત અધિકારીશ્રી લીમખેડા, જિલ્લા પંચાયત સભ્યશ્રી, જિલ્લા મહામંત્રીશ્રી તેમજ અન્ય સંબંધિત અધિકારીશ્રીઓ તેમજ મામલતદારશ્રી, આંગણવાડી સહિત વન વિભાગને લગતી વિવિધ યોજનાઓના લાભાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.