રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યાં:જિલ્લા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યાં.
ધાનપુરના કંજેટા જંગલના ઉધલમહુડા વિસ્તારમાં બુટલેગરોને પકડવા ગયેલ પોલીસ પર બુટલેગરોના પથ્થર મારાથી ચકચાર..
પોલીસ કર્મચારીઓ દ્વારા કોમ્બીંગ હાથ ધરી બુટલેગરોને ઝડપી પાડવા માટે કવાયતો તેજ કરી
દાહોદ તા.૦૮
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કંજેટાના જંગલના ઉઘલમહુડા ગામેથી ચકચાર મચાવી મુકી તેવો બનાવ સામે આવ્યો છે જેમાં પોલીસને મળેલ બાતમીના આધારે વિદેશી દારૂ લઈ જતા બુટલેગરોને પકડવા ગયેલ પોલીસ પર બુટલેગરોએ પથ્થરમારો કરતાં એક પોલીસ કર્મચારી ઘાયલ થયો હોવાનું તેમજ પથ્થર મારામાં પોલીસના વાહનાને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળે છે.ત્યારે ઘટનાની જાણ દાહોદ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ વિભાગને થતાં દાહોદ જિલ્લાના ઉચ્ચ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ત્યારે પોલીસ પર પથ્થરમારો કરનાર બુટલેગરોને શોધી કાઢવા માટે પોલીસે કોમ્બીંગ હાથ ધર્યુ હોવાનું પણ જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્વો, બુટલેગરો બેફામ બની રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. દાહોદ જિલ્લામાં અવાર નવાર વિદેશી દારૂની સાથે બુટલેગરોને પકડવા જતી પોલીસ પર બુટલેગરો દ્વારા પથ્થર મારો કરતાં હોવાના બનાવી પણ ભુતકાળમાં બની ચુક્યાં છે ત્યારે આવોજ એક વધુ બનાવ સામે આવ્યો છે જેમાં પોલીસને મળેલ બાતમીના આધારે આજરોજ સાંજના સમયે દાનપુરના કંજેટા જંગલના ઉધલમહુડા વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરો પસાર થઈ રહ્યાં હોવાની બાતમી પોલીસને મળતાં પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને બુટલેગરોને પકડવા જતાં બુટલેગરો દ્વારા પોલીસ પર પથ્થર મારો શરૂ કરી દીધો હતો. બુટલેગરોના પથ્થર મારામાં પોલીસ કોન્સ્ટેબલ વિરસીંગભાઈ ભાભોરને શરીરે ઈજાઓ પહોંચી હતી ત્યારે ઈજાગ્રસ્ત આ પોલીસ કર્મચારીને તાત્કાલિક ધોરણે દાહોદની હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. બુટલેગરોનો પોલીસ પર પથ્થર મારાની ઘટનાની જાણ દાહોદ જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લા પોલીસને થતાં પોલીસ કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે રવાના થયો હતો. પોલીસ વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધરી બુટલેગરોને ઝડપી પાડવા માટેની કવાયતો હાથ ધરી છે. ઘટનાને પગલે સમગ્ર દાહોદ જિલ્લામાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો.