બાબુ સોલંકી :- સુખસર
ગુજરાતમાં ખુલ્લા બોર-કુવામાં બાળકો પડી જવાના બનાવ અટકાવવા વિકાસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રમાં સુધારો કરાયો
ગ્રામ્ય કક્ષાએ કોઈપણ યોજનામાં બનાવેલ ખાનગી માલિકી દ્વારા બોરવેલ બનાવવામાં આવેલ હોય તેવા બોરવેલમાં બાળકો પડે તો તેની જવાબદારી સરપંચ તથા તલાટી કમ મંત્રી સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું
બહાર પાડવામાં આવેલ પરિપત્ર થી નારાજ ગુજરાત રાજ્ય તલાટી- મંત્રી મહામંડળ દ્વારા વિરોધનો સુર ઉઠતાં પરિપત્રમાં સુધારો કરાયો
ખાનગી માલિકી,સંસ્થા,મંડળ દ્વારા બોર બનાવવામાં આવેલ હોય તો તેમાં બાળક પડે તો અંગેની અંગત જવાબદારી માલિક,સંસ્થા, મંડળીની રહેશે નો સુધારો કરાયો
સુખસર,તા.3
ગુજરાત રાજ્યમાં અગાઉ અનેક જગ્યાઓ ઉપર ખુલ્લા બોરકુવાઓમાં બાળકો પડી જવાના અનેક કિસ્સાઓ નોંધાઈ ચૂકેલા છે. અને તે પૈકી કેટલાક કિસ્સાઓમાં બાળકોના મૃત્યુ થવા પામેલ છે.આવા ખુલ્લા બોર કુવામાં બાળકો પડી જવાના બનાવો બને નહીં તે માટે તકેદારીના પગલાં રૂપે રાજ્ય સરકારના વિકાસ કમિશનર કચેરી દ્વારા 20 જૂન- 2024 ના રોજ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.જેમાં તકેદારી રૂપે વિવિધ મુદ્દાઓ આપવામાં આવ્યા હતા.
બહાર પાડવામાં આવેલ પરિપત્ર મુજબ બોરવેલનું બાંધકામ અથવા સમાર કામ ચાલુ હોય ત્યારે સલામતી સૂચક સાઈન બોર્ડ લગાવવું,પંપ સમારકામ અથવા અન્ય કોઈ સમારકામ દરમિયાન બોરવેલ ખુલ્લા છોડવા નહીં,બાંધકામ સમારકામ પૂર્ણ થયા બાદ ખાડા ચેનલમાં માટી ભરેલ છે કે કેમ તેની ચકાસણી કરી કામગીરી પૂર્ણ કરવી,બોરવેલનું બાંધકામ અથવા સમારકામ ચાલુ હોય ત્યારે તેમજ કામ પૂર્ણ થયા બાદ પણ તેની આજુબાજુ કટાળા તાર અથવા યોગ્ય વાડ અંતરાયો રાખવા,સમયાંતરે કાંટાળા તાર અથવા યોગ્ય વાડ અંતરાયો જળવાઈ રહે તેની તકેદારી રાખવી, બિન ઉપયોગી અથવા ત્યજી દેવાયેલ બોરવેલ માટી,રેતી,કાંકરા વગેરે દ્વારા નીચેથી ગ્રાઉન્ડ લેવલ સુધી ભરી દેવા, જે બોરવેલ હાલ બિન ઉપયોગી હોય અથવા ભવિષ્યમાં તેનો ઉપયોગ કરવાનો હોય તેને નટ-બોલ્ટ સાથે બોરકેપ લગાવી ઢાંકી દેવા,જાહેર સ્થળો ઉપર આવેલ બોરવેલ પાસે બાળકો નજીકમાં જાય નહીં તેની તકેદારી રાખવી,જ્યારે મુદ્દા નંબર 8 માં જણાવ્યા મુજબ ગ્રામ્ય કક્ષાએ કોઈપણ યોજના કે ખાનગી માલિકી દ્વારા બોરવેલ બનાવવામાં આવેલ હોય તેવા બોરવેલમાં બાળકોના પડી જવાના કિસ્સાઓ બનવા પામશે તો તે અંગેની અંગત જવાબદારી સરપંચ તેમજ તલાટી કમ-મંત્રીની રહેશે.તે અંગેની ધોરણસરની કાર્યવાહી જિલ્લા વિકાસ અધિકારીએ કરવાની રહેશે તે પ્રમાણેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.
જ્યારે આ મુદ્દા નંબર 8 થી નારાજ ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળ દ્વારા પંચાયત મંત્રી,અગ્ર સચિવ તથા વિકાસ કમિશનર ગાંધીનગરના ઓને સંબોધીને રજૂઆત કરી જણાવ્યું હતું કે,તારીખ 20/6/ 2024 માં તકેદારી રાખવા અંગેના મુદ્દા નંબર 8 માં વિગત બાબતે પંચાયતના બોર-કુવાની જવાબદારી ગ્રામ પંચાયતની હોઈ શકે,પરંતુ મુદ્દા નંબર 8માં જણાવ્યા મુજબ કોઈપણ યોજનામાં બનેલ પંચાયતના બોરવેલ ટ્યુબવેલ માટે અંગત જવાબદારી યોગ્ય છે.પરંતુ જેમાં ખાનગી માલિકીના બોરવેલની જવાબદારી તલાટી કમ- મંત્રી રહેશે તેમ જણાવેલ છે.જે બાબતે ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળ દ્વારા વિરોધ ઉઠાવી ખાનગી માલિકના બોરવેલ બાબતે અંગત જવાબદારી તલાટી કમ-મંત્રી દર્શાવેલ છે જે સત્વરે દૂર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.અને આ બાબતે સત્વરે દિન સાતમાં મુદ્દા નંબર 8 ની વિગત સુધારવામાં નહીં આવેતો ના છૂટકે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા તમામ પ્રકારની કામગીરી બંધ કરી આવા પરિપત્ર વિરુદ્ધમાં આંદોલાત્મક કાર્યક્રમ જાહેર કરવા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
ઉપરોક્ત બાબતે સરકાર દ્વારા ધ્યાન આપી પરિપત્ર ક્રમાંક ડી.સી.ઓ/ 0451/6/2024 ના પરિપત્રથી મુદ્દા નંબર 8 માં સુધારો કરવામાં આવ્યો છે. તેમાં ખાનગી માલિકી કે કોઈપણ સંસ્થા/મંડળી દ્વારા બોરવેલ બનાવવામાં આવેલ હોય તેવા બોરવેલમાં બાળકોના પડી જવાના કિસ્સાઓ બનવા પામશે તો તે અંગેની અંગત જવાબદારી સંબંધિત માલિક/ સંબંધિત સંસ્થા/મંડળીની રહેશે.આ બાબતની જાણ તલાટી કમ-મંત્રીએ સંબંધીતોને લેખિતમાં કરવાની રહેશે. જ્યારે સરકારની કોઈપણ યોજના માંથી કે ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ બોર-કુવાના કિસ્સામાં સરપંચ તેમજ તલાટી કમ-મંત્રીની જવાબદારી રહેશે. તે અંગેની ધોરણસરની કાર્યવાહી જિલ્લા વિકાસ અધિકારીએ કરવાની રહેશે તવો સુધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.