બાબુ સોલંકી :- સુખસર
સંજેલી તાલુકાના હીરોલા અનાજ કરિયાણાના વેપારીને ત્યાં ગાંધીનગર ટીમના દરોડા..
શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રિઝમાં 1200 ક્વિ, ઘઉંની વિસંગતતાની તપાસઃ બે નંબરીયાઓમાં દોડધામ મચી.
દાહોદ તા.01
પાલડી શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં પંચમહાલ પુરવઠા અધિકારીએ અકસ્મિત તપાસ કરતા યુનિટમાંથી 1200 ક્વિ. અનાજના જથ્થાની વિસંગતતાની તપાસ માટે સંજેલી તાલુકાના હીરોલા સુધી ગાંધીનગરની ટીમના ધામાથી ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
વાઘોડિયા તાલુકાની પાલડી ખાતે આવેલ શ્રીજી એગ્રો ઈન્ડસ્ટ્રીઝ દાહોદ છોટાઉદેપુર પંચમહાલથી સરકારી અનાજ આવતું હોવાની બાતમીના આધારે પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ, ટી મકવાણાએ માહિતી મળતા ટીમ સાથે શ્રીજી એગ્રો પર છાપો માર્યો હતો. ઘઉંના જથ્થાની ચકાસણી અને ઉત્પાદિત ચીજ વસ્તુઓમાં ઉત્પાદન અને વેચાણ અંગેની ચકાસણી દરમિયાન ઘઉંના લાઈવ સ્ટોમાં વિસંગતતા જણાઈ આવી હતી. જેમાં 200 ટન દૈનિક ઉત્પાદન કરતી એગ્રો ઈન્ડસ્ટ્રીઝ દ્વારા બજારમાંથી તેમજ એફસીઆઈની સરકારી હરાજીમાંથી મોટી માત્રામાં ટનબંધી ઘઉં ખરીદી કરી અને તેની પ્રોસેસિંગ કરવાનું કામ કરાતું હતું. તપાસમાં 1200 ક્વિન્ટલ ઘઉંના જથ્થાની વિસંગતતા મળી આવતા ગાંધીનગર પુરવઠા વિભાગ એરફોર્સમેન્ટની ટીમને બોલાવી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જે તપાસનો રેલો સંજેલી તાલુકાના હિરોલા મુખ્ય પ્રાથમિક શાળાની સામે આવેલી બંટી અગ્રવાલની અનાજ કરિયાણાની દુકાન પર ગાંધીનગર પુરવઠા વિભાગની ટીમે સંજેલી પુરવઠા અધિકારીને સાથે રાખી અને તપાસ હાથ ધરી હતી. શ્રીજી ઈન્ડસ્ટ્રીઝમાં જથ્થો મોકલવામાં આવ્યો હતો તેની બિલોની ખરાઈ કરી અને જથ્થો કેટલો અને ક્યારેય કોની મારફત મોકલવામાં આવ્યો હતો તેની વિગતો મેળવવામાં આવી હતી. ગાંધીનગરની ટીમ આવી હોવાની જાણ થતા ફફડાટ ફેલાયો છે.