રાજેશ વસાવે :- દાહોદ
ફિલ્મી સ્ટાઇલે દુલ્હનનું અપહરણથી ખળખળાટ, બે ને રાઉન્ડ અપ કરાયા.
દાહોદમાં સાસરે પહોંચે તે પહેલા જ વરરાજાની સામે જ 20 લોકોનું ટોળુ બંદૂકની અણીએ દુલ્હનને ઉઠાવી લઈ ગયાં.
પોલીસે આરોપીઓને પકડવા 4 ટીમોની રચના કરી
દાહોદ તા.૨૦
દાહોદ તાલુકાનાં ભાટીવાડા ગામના રોહિત અમલીયારની જાન મધ્યપ્રદેશના ઝાબુઆના જાલાપાડા ગામે ગઈ હતી.ત્યારે મધ્યપ્રદેશથી લગ્ન પતાવી જાન પરત આવી રહી હતી.તે દરમિયાન અધવચ્ચે જ 20થી 25 લોકોનું ટોળું બાઈક પર આવી પહોંચ્યું હતું. વરરાજાની ગાડીને ઓવરટેક કરીને ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું હતું. બંદૂક બતાવીને બેથી ત્રણ લોકોએ ગાડીની ચાવી કાઢી લીધી હતી. જે બાદ દરવાજો ખોલીને દુલ્હન ઉષાને ઢસડીને બાઈક પર બેસાડી દીધી હતી.જોકે ફિલ્મી સ્ટાઈલમાં દુલ્હનનું અપહરણ થતાં ચકચાર મચી આ સમગ્ર ઘટના વરરાજાની સામે જ બની હતી. વરરાજા સહિત જાનૈયાઓ કંઈ સમજે તે પહેલાં તો તેઓ દુલ્હનને ઉઠાવી ગયા હતા. ધારિયા, બંદૂક સહિતનાં હથિયારો બતાવી ધમકી આપી હતી. જેથી વરરાજા તેમજ જાનૈયા ડરી ગયા હતા. ફિલ્મી સ્ટાઈલમાં દુલ્હનનું અપહરણ કરવામાં આવતા દાહોદમાં હાલ ચકચાર મચી છે. જોકે આ અંગે વરરાજા રોહિત બાબુભાઈ અમલીયારે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મહેશ તોફાન ભૂરિયા રહે-પતરા તા-મેધનગર મધ્યપ્રદેશ, નિલેશ લોબાન ભાભોર, નરેશ ભાભોર બન્ને રહે-ગુદીખેડા તા-જિ-દાહોદ, શૈલેશ બાબુ માવી, જિતેન્દ્ર નરેશ ભાભોર રહે-પીટોલ મધ્યપ્રદેશ સહિત અન્ય 10 મોટરસાઇકલચાલકો વિરુદ્ધ IPC કલમ 365, 120(B)143 મુજબ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ સમગ્ર દાહોદ જિલ્લા સહિત મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારમાં પોલીસની અલગ અલગ ટીમોએ તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપીઓ પૈકી 2 આરોપીઓને રાઉન્ડઅપ કર્યા છે.
*ગાડી ઓવરટેક કરીને અમને રોક્યાઃ હથિયાર દેખાડી મારી પત્નીને ઉઠાવી લઈ ગયા :- વરરાજા રોહિત આમલીયાર.*
વરરાજા વરરાજા રોહિત અમલીયારે જણાવ્યું હતું કે, ભાટીવાડાથી અમે મારી જાન જાલાપડા ગામ લઈ ગયા હતા. જ્યાં અમે ફેરા ફરીને ત્યાંથી નીકળ્યા હતા. ત્યારે નવાગામ ચાર રસ્તા પર 20થી 25 લોકો હથિયારો સાથે આવી પહોંચ્યા હતા. તેઓ પાસે રિવોલ્વર પણ હતી. તેઓએ અમારી ગાડીને ઓવરટેક કરીને સામે તેઓની ગાડીને ઊભી રાખી હતી. જે બાદ રિવોલ્વર બતાવીને મારી દુલ્હનને લઈ ગયા હતા. ચારથી પાંચ લોકો તેને ભગાડીને લઈ ગયા હતા. તમે કેમ અમારા માણસને મારીને ભાગી આવ્યા તેમ કહીને અમારી ગાડી રોકાવી હતી. જે બાદ લૂંટફાટ કરી હતી. પોલીસ તરફથી કાર્યવાહી હાલ ચાલુ જ છે
*અમને ફોન આવ્યો દુલ્હનને કોઈ ભગાડી ગયા છેઃ મામા*
વરરાજાના મામા કિરણભાઈ અમલીયારે જણાવ્યું કે, અમે જાન લઈને સવારે ગયા હતા. જે બાદ અમારા સમાજના રિતરિવાજ મુજબ લગ્ન કરાવવામાં આવ્યા હતા. જે બાદ અમે તો ઘરે પહોંચી ગયા હતા પણ ફોન પરથી અમને જાણવા મળ્યું કે, દુલ્હનને ભગાડીને કોઈ લઈ ગયા છે. જેની જાણ થતાં જ અમે પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ નોંધાવી છે.
*30થી 35 લોકોએ આવીને દુલ્હનને ઉઠાવી ગયાઃ વરરાજાના પિતા*
વરરાજાના પિતા બાબુભાઈ અમલીયારે જણાવ્યું કે, જાન પરણાવીને અમે આવી રહ્યા હતા. નવાગામ ચાર રસ્તા પાસે લોકોનું ટોળું આવી પહોંચ્યું હતું. બાઈકો આગળ કરીને ગાડી રોકી હતી. બધી બાઈકો આડી ફેરવી હતી. 30થી 35 લોકો હતા. જ્યારે બીજા બધા લોકો પાછળ હતા. 60 જેવા લોકો હશે. લાડીને ઉઠાવીને નાસી ગયા હતા. જેથી અમે પોલીસમાં ફરિયાદ આપી હતી.
*દુલ્હનના અપહરણ કેસમાં ચાર ટીમોની રચના કરાઈ:- જગદીશ ભંડારી, ડીવાયએસપી દાહોદ*
અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈઃ DySp દાહોદના DySp જગદીશ ભંડારીએ જણાવ્યું કે, ગઈકાલે દાહોદના ગ્રામ્ય વિસ્તારમાં ભાટીવાડા ગામથી જાલાપાડા ગામમાં એક જાન ગઈ હતી. જાન જ્યારે પરણીને પરત આવી રહી હતી. તે દરમિયાન નવાગામ ચાર રસ્તા પાસે કેટલાક બાઈક સવારોએ વરરાજાની ગાડીને આંતરી લીધી હતી. જે બાદ દુલ્હનને બાઈક પર બેસાડીને તેનું અપહરણ કર્યું હતું. આ મામલે વરરાજાના પરિવાર તરફથી નામજોગ 4 લોકો તેમજ અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસની વિવિધ ટીમોએ આરોપીની શોધખોળ હાથ ધરી હતી. તેમજ શંકમંદોની પૂછપરછ હાથ ધરી હતી. જેથી તમામ લોકોનાં નામ પોલીસને મળી આવ્યાં છે. આ પૈકી બે આરોપીને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. જે આરોપીઓ છે તે મધ્યપ્રદેશના છે. ભોગ બનનાર છે તે જાલાપાડા ગામની છે. આ જાલાપાડ ગામ અને આરોપીનું ગામ તે બોર્ડરની નજીક આવેલાં ગામો છે. આ બાબતે વધુ તપાસ હાલમાં ચાલુ છે.