રાજેશ વસાવે :- દાહોદ
આતુરતાનો અંત: દાહોદ જિલ્લામાં ધોરણ-10નું 81.67 ટકા પરિણામ જાહેર, ગત વર્ષ કરતા બમણુ પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશી
દાહોદ તા.11
ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા આજે 11મી મે ના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામા આવ્યું છે, જેમા દાહોદ જિલ્લાનું 81.67 ટકા પરિણામ જાહેર કરવામાં આવતાં વિદ્યાર્થીઓમા ખુશીનો માહોલ છવાયો હતો.
દાહોદ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે આજે ધોરણ-10ના બોર્ડનું પરિણામ સારુ આવતા વિદ્યાર્થીઓમા ખુશીની લાગણી જોવા મળી હતી, આ વર્ષે ધોરણ-10ના બોર્ડનું પરિણામ છેલ્લા કેટલાક વર્ષો કરતા સારુ આવતા શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આશિર્વાદ સમાન છે. ધોરણ-10ના ગત વર્ષે આવેલા પરિણામ કરતાં આ વર્ષના પરિણામમાં 40.92 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે ગ્રેડની વાત કરવામા આવે તો A1 ગ્રેડ સાથે 143 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી, આ વર્ષે દાહોદ જિલ્લામાં 29,678 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 28,625 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પરીક્ષાનું પરિણામ આજ રોજ 81.67 ટકા જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રમા સૌથી પછાત ગણાતા દાહોદ જિલ્લાએ આ વર્ષે ધોરણ-10માં સારો દેખાવ કરતા જિલ્લાના આ વર્ષે ધોરણ-10માં સારો દેખાવ કરતા જિલ્લાના શિક્ષણ વિભાગ અને શિક્ષકોની મહેનત ફળી હોય તેમ લાગી રહ્યુ છે.
દાહોદ જિલ્લામા A1માં 143, A2માં 858, B1માં 2925, B2मां 5988, C1मां 7571, C2मां 5290, Dમાં 602, E1માં 2 અને E2માં 2566 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે.
વર્ષ 2023માં જિલ્લાનું આખા રાજ્યામાં સૌથી ઓછુ માત્ર 40.75 ટકા પરિણામ આવ્યું હતું, ત્યારે ગઈ વખતે આવેલા પરિણામના બમણા કરતાં વધુ 40.92 ટકાનો આ વખતે વધારો જોવા મળ્યો હતો. દાહોદ જિલ્લાના રેંટીયા કેન્દ્રનું સૌથી વધુ 96.20 ટકા જ્યારે સૌથી ઓછુ દાભડા કેન્દ્રનું 59.15 ટકા પરિણામ આવ્યું હતું. છેલ્લે વર્ષ 2017માં 76.93 ટકા પરિણામ આવ્યાં બાદ ધોરણ 10માં દાહોદ જિલ્લાનું પ્રદર્શન નબળુ જ થતુ જઇ રહ્યુ હતુ. ત્યારે આઠ વર્ષ બાદ સારૂ પરિણામ આવતાં શિક્ષણવિદોએ પણ હાશ અનુભવી છે. જિલ્લા શિક્ષાધિકારી સુરેન્દ્ર દામાએ જણાવ્યું હતું કે, તેમના આવ્યા બાદ કેટલાંક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા હતા. તેના કારણે માત્ર ધોરણ 10 જ નહીં ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં પણ ખુબ મોટો સુધારો જોવા મળ્યો છે. હવેથી આ સુધારો અકબંધ રહેશે તેવી પણ તેમણે આશા અનુભવી હતી.