રાજેશ વસાવે :- દાહોદ
પ્રાંત અધિકારીએ શિક્ષક સામે ખાતાકીય તપાસ માટે TPO ને હુકમ, શિક્ષક આલમમાં ખળભળાટ..
દાહોદમાં મહિલા નાયબ મામલતદાર સાથે મુખ્ય શિક્ષકે ગેરશિસ્ત કરતાં કાર્યવાહીનો આદેશ…
દાહોદ તા.02
દાહોદ શહેરની સરકારી ઇજનેરી કોલેજમાં યોજેલી લોકસભા અંતર્ગત ચૂંટણીની તાલીમમાં દાહોદની શાળાના મુખ્ય શિક્ષકે મહિલા નાયબ મામલતદાર સાથે ગેરશિસ્ત કર્યાની ગંભીર નોંધ લેવાઇ હતી. દાહોદ પ્રાંતે આ મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને ખાતાકિય તપાસ ચાલુ કરવા સાથે શિક્ષાત્મક કાર્યવાહીનો લેખિત આદેશ કર્યો છે.
લોકસભાની ચૂંટણી સંદર્ભે તાલીમ રાખી હતી. આ તાલીમમાં ગયેલા દાહોદના ગોવિંદ નગરની એમ એન્ડ પી કુમાર શાળાના મુખ્ય શિક્ષક ગીરીશ પટેલે સ્થળ પર ગેરશિસ્ત કરી હતી. આ મામલે દાહોદના પ્રાંત અધિકારી એન.બી રાજપુતે દાહોદના તા. પ્રા. શિક્ષણાધિકારી જે.ડી અમૃતિયાને પાઠવેલા પત્રમાં જણાવાયું છે કે, મહિલા નાયબ મામલતદાર સાથે ગેરશિસ્ત કરતાં મુખ્ય શિક્ષક ગિરીશ પટેલને વારંવાર ટકોર કરવા છતાં મહિલા નાયબ મામલતદાર સમક્ષ ઉદ્ધાઇભર્યુ એક સરકારી કર્મચારીને ન છાજે તેવું વર્તન કર્યુ હતું. જે ખુબજ ગંભીર બાબત છે. જેથી તેઓ સામે એક સરકારી કર્મચારીને ન છાજે તેવું વર્તન કરવા બદલ સેવા શિસ્ત અપીલના નિયમો 1971 હેઠળ શિસ્ત ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થાય છે. જે શિક્ષાત્મક કાર્યવાહી કરવી અને કાર્યવાહીનો અહેવાલ પાઠવવો. જો તેમ કરવામાં ચૂક કરશો તો તા. પ્રા. શિક્ષણાધિકારી વિરૂદ્ધ પણ કાર્યવાહીની ફરજ પડશે . નકલ કલેક્ટરને પણ મોકલી હતી.