દુષ્કર્મના કેસમાં હવસખોર શિક્ષકને અંતિમ શ્વાસ સુધી કેદની સજા, નરાધમે સગીરાને બ્લેકમેલ કરીને દુષ્કર્મ આચર્યું હતું
દાહોદ તા. ૩૦
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં વર્ષ 2022માં બનેલ ટ્યુશન કલાસીસના દુષ્કર્મના કેસમાં સમાજમાં દાખલો બેસે તે માટે સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સખત સજા ફટકારવામાં આવી. આ સાથે જ આરોપીને 1 લાખ નો રોકડ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરથી વર્ષ 2022માં એક ચકચારી બનાવ સામે આવ્યો હતો. જેમાં “હેતા ટ્યુશન ક્લાસીસ”ના સંચાલક દ્વારા બાથરૂમનો વિડીયો મોબાઈલ ફોનમાં ઉતારી સગીરાને બ્લેકમેઈલ કરી ડરાવી ધમકાવીને તેણીની મરજી વિરૂધ્ધ અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. જેના બાદમાં સગીરાને ચાર માસ નો ગર્ભ રહી જતા સમગ્ર ભાંડો ફૂટયો હતો. સગીરા દ્વારા કલાસીસ સંચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. અને હવે શિક્ષક નૈનશ ભુરજી ડામોરને સેશન્સ કોર્ટે અંતિમ શ્ર્વાસ સુધી આજીવન કેદ તેમજ 1 લાખ નો રોકડ દંડ ફટકાર્યો. જોકે, ભોગ બનનાર સગીરાને 2 લાખ રોકડ ચુકવા સરકારી વકીલ ટીનાબેન સોનીની ધારદાર રજૂઆત બાદ કોર્ટ દ્વારા હુકમ કરાયો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઝાલોદ તાલુકામાં રહેતી એક સગીરા ઝાલોદ નગરમાં આવેલા હેતા ટ્યુશન ક્લાસીસમાં કોચીંગ કરતી હતી. જ્યાં એક દિવસ સગીરા ટ્યુશન ક્લાસીસના બાથરૂમમાં ગઈ હતી. જ્યાં ક્લાસીસનો સંચાલક નૈનેશ ભુરજીભાઈ ડામોરે પોતાના મોબાઈલ ફોનમાં સગીરાનો બાથરૂમમાંથી વિડીયો ઉતારી લીધો હતો. ત્યાર બાદ સગીરાને આ વિડીયો બતાવી બ્લેકમેઈલ કરવા લાગ્યો હતો. તેમજ ધાકધમકી આપી સગીરાની મરજી વિરૂધ્ધ ટ્યુશન ક્લાસમાં જ અવાર નવાર બળાત્કાર ગુજારતો રહ્યો હતો. આખરે સગીરાને ચાર માસનો ગર્ભ રહી જતા ટ્યુશન સંચાલકનું સમગ્ર કારસ્થાન બહાર આવ્યું હતું.
જે બાદમાં સગીરાને લઈ પરિવારજનો ઝાલોદ પોલીસ મથકે આવી ટ્યુશન ક્લાસીસના સંચાલક નૈનેશ ભુરજીભાઈ ડામોર વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેલના સળિયા પાછળ ધકેલાયા બાદ હવે સગીરા ઉપર અત્યાચાર અને બળાત્કારના કિસ્સા વધતા જતા હોય અને સમાજમાં દાખલો બેસે તે માટે સેશન્સ કોર્ટના જજ સી કે ચોહાણ દ્વારા ચુકાદો જાહેર કરતા કોર્ટ રુમમાં સન્નાટો છવાઈ ગયો હતો.