MGVCL નું અંધેર વહીવટ, વીજ પોલ નાખવા જતા પાણીની લાઈન પંચર પાડી..
ફતેપુરાના કરોડીયા ગામે વીજપોલ ઉભો કરતી સમયે પાણીની લાઈનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ..
દાહોદ તા.૦૮,
ફતેપુરા તાલુકાના કરોડીયા ગામે એમ.જી.વી.સી.એલ. દ્વારા પાણીની પાઈપ લાઈન પર ખાડો ખોદી વીજપોલ ઉભો કરી દેતા પાણી લાઈનમા ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થતા લોકોમા રોષ ફેલાયો હતો.કરોડીયા ગામે ચાર દિવસ અગાઉ એમ.જી.વી.સી.એલ.દ્વારા વીજપોલ ઉભો કરવા માટે ખાડો ખોદવામા આવ્યો હતો, પરંતુ જે ખાડો ખોદવામા આવ્યો હતો.તે ભાણાસીમલ પાણીની પાઇપ લાઈન પર ખોદવામા આવ્યો હતો, અને એમ.જી.વી.સી.એલ. કર્મચારીઓ બેદરકારી દાખવી ત્યા વીજપોલ પણ ઉભો કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે પાણીની પાઈપ લાઈનમાં લીકેજ થતા છેલ્લા ચાર દિવસથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જેના કારણે છેલ્લા ચાર દિવસથી ભાણાસીમલ પુરવઠા જૂથ યોજનાની પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું છે.
જેના કારણે જાહેર રસ્તા ઉપર પીવાના પાણી રેલાતુ હોવાથી અમૂલ્ય પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. ગ્રામજનોએ તંત્ર રજુઆત કરવા છતા પાણીની લાઇનના ભંગાણનું સમારકામ કરવા માટે કોઇ કામગીરી કરવામા આવી નથી, લાઈનમાં પડેલ ભંગારના કારણે નજીકમાં આવેલ ખેતરમાં પાણી ભરાતા ખેતર જાણે તળાવ બન્યું હોય તેમ લાગી રહ્યું છે, તંત્ર દ્વારા આ પાઇપ લાઈન નુ સમારકામ તાત્કાલિક કરવામા આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.