બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ બેંક ઓફ બરોડા તથા બલૈયા ગુજરાત ગ્રામીણ બેંકમાં ખેડૂતોની જાણ બહાર ખેત ધિરાણના લાખો રૂપિયા હજમ કરાયા.!?
જવેસી ગામની વિધવા મહિલાના તથા ભાટ મુવાડીના ગરીબ ખેડૂતના નામે બેંકના મેળાપીપણાથી તકવાદી તત્વોએ લાખો રૂપિયા ઉપાડી લીધા
સુખસર,તા.૨
ફતેપુરા તાલુકામાં આવેલ બેંક ઓફ બરોડા સુખસર શાખા તથા બલૈયા ખાતે આવેલ બલૈયા ગુજરાત ગ્રામીણ બેંક શાખાઓમાં અનેક ખેડૂત ખાતેદારો સાથે હળ હળતો અન્યાય કરવામાં આવી રહ્યો હોવાની બૂમો ઊઠી રહી છે.તેમાં ખાસ કરીને ખેતી ધિરાણ મેળવતા ખેડૂતો સાથે બેંકના જવાબદારોના મળતીયા ઈસમો દ્વારા ગરીબ ખેડૂતોને છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવી રહ્યા હોવાની બૂમો ઉઠવા પામેલ છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકામાં આવેલ બલૈયા ગુજરાત ગ્રામીણ બેંક બલૈયા શાખા તથા સુખસર ખાતે આવેલ બેંક ઓફ બરોડા સુખસર શાખામાં ખેત ધિરાણ મેળવવા તથા પશુપાલનની લોન મેળવવા માંગતા લોકોને બેંકના મળતીયા ઈસમો દ્વારા વિવિધ પ્રકારે રંજાડવામાં આવતા હોવાનું જાણવા મળે છે.તેમાં કેટલાક લોકો આ લાભ મેળવવા માંગતા હોય તેઓ પાસે ફાઈલ જમા કરાવવાના નામે પણ બે થી પાંચ હજાર રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાની ફરિયાદો સાંભળવા મળે છે. અને આ માંગ સંતોષાય તોજ બેંકના કર્મચારીઓ કામ હાથ ઉપર લેતા હોવાની ચર્ચા પણ સાંભળવા મળે છે.જ્યારે કેટલાક ગરીબ અભણ તેમજ વિધવા ખાતેદાર મહિલાઓને તકવાદી તત્વો દ્વારા અલગ અલગ બહાનાથી સહીઓ કરાવી લઈ અથવા ખેતી ધિરાણ મેળવવા માટે ફાઈલ તૈયાર કરાવવામાં આવે છે અને તે ફાઇલમાં બેંકના જવાબદારોની સામે સહીઓ પણ કરાવી લેવામાં આવ્યા બાદ જે તે ખાતેદાર લાભાર્થીને નાણાં નહીં આપી આગેવાની કરનાર દલાલો અથવા દલાલોના મળતીયા લોકોના ખાતામાં જે તે લાભાર્થીની રકમ જમા કરી લાભાર્થીની જાણ બહાર નાણા ઉપાડી લેવાતા હોવાના પણ અનેક દાખલા બની ચૂકેલા હોવાનું જાણવા મળે છે.
જ્યારે કેટલાક કિસ્સાઓ એવા પણ છે કે,જે લોકોએ ખેતી ધિરાણ કે અન્ય લોન સહાય બેંકમાંથી લીધી નહીં હોય તેમ છતાં સમય જતા તેમના નામે હજારો કે લાખો રૂપિયા બેંકનું બાકી લ્હેણુ હોવાનું જણાવાય છે.અને આવા લોકોના ખાતાઓમાં પોતાના બાળકોની સ્કોલરશીપ કે સરકાર દ્વારા મળતી અન્ય સહાયોના આવતા નાણા બારોબાર બેંક દ્વારા કપાત કરી લેવાતા તેની બેંકમાં જાણ કરવા છતાં તેવા લોકોની કોઈ દલીલ સાંભળવામાં નહીં આવતી હોવાની પણ ચર્ચા સાંભળવા મળી રહી છે. ત્યારે ઉપરોક્ત બાબતે બેંકના લાગતા વળગતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા બલૈયા તથા સુખસર બેંકની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો છેતરપિંડીનો શિકાર બનેલા ખેડૂતો ને ન્યાય મળે.તેમજ ભવિષ્યમાં વધુ ગરીબ ખેડૂતો તકવાદી તત્વોના હાથા બનતા બચી શકશે તેમ જણાઈ રહ્યું છે.
ખેતી ધિરાણના નામે છેતરપિંડીનો શિકાર બનેલી વિધવા મહિલાની વેદના
ત્રણ વર્ષ અગાઉ બેંક ઓફ બરોડા સુખસર શાખાના એક એજન્ટ દ્વારા મને ખેતી ધિરાણ અપાવવા મારા નામે ખેતી ધિરાણ મેળવવા ફાઈલ તૈયાર કરી મારા પાસેથી સહીઓ કરાવી લીધી હતી.અને તે વખતે મને 20 હજાર રૂપિયા આપ્યા હતા.ત્યારબાદ હાલમાં મને જાણવા મળ્યું છે કે મારા નામે 2 લાખ રૂપિયા ઉપાડવામાં આવેલ છે.જ્યારે મારા નાણા ચાંઉ કરનાર એજન્ટને પૂછતા હાલ તે મને આડા અવળા જવાબ આપી રહેલ છે. જેની તપાસ થાય અને મને ન્યાય મળે તેમ ઈચ્છું છું.હું વિધવા છું અને આટલા નાણા હું ક્યાંથી ભરપાઈ કરીશ?
(મલીબેન બાબુભાઈ ચારેલ, જવેસી,સ્થાનિક)
મકાન રીપેરીંગના નાણાં અપાવવાના બહાને સહીઓ કરાવી લઈ ગરીબ ખેડૂત સાથે છેતરપિંડી
મને વર્ષ 2016 માં એક બલૈયાના તથા એક ભાટમુવાડીના આમ બે વ્યક્તિઓએ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક બલૈયા શાખા માંથી મને મકાન રીપેરીંગના 50,000 રૂપિયા આપવાના બહાને કાગળોમાં સહી કરાવી લીધી હતી. ત્યારબાદ મને માત્ર 6000 રૂપિયા આપ્યા હતા. અને ખેતી ધિરાણના મારા નામે રૂપિયા 2 લાખ 90 હજાર બોલે છે.જ્યારે લોક અદાલતની નોટિસ મળતા સાડા ચાર લાખ રૂપિયા ભરપાઈ કરવા જણાવતા આ બંને વ્યક્તિઓએ બેંકમાં જઈ નાણાં અમો ભરપાઇ કરીશુંની બાહેધરી આપવા છતાં તેઓએ નાણાં નહીં ભરતા ગતરોજ મને નાણા ભરપાઈ કરવા બેંકથી વકીલ દ્વારા 15 દિવસમાં નાણાં ભરાઈ કરવા નોટિસ મળી છે.હું ગરીબ ખેડૂત છું અને આટલા નાણા ક્યાંથી ભરવા તે સવાલ છે.
લક્ષ્મણભાઈ નાગજીભાઈ ડીંડોર, ભાટમુવાડી,સ્થાનિક
ખેતી ધિરાણ કે કોઈપણ પ્રકારની લોન લીધા વિના બારોબાર એકાઉન્ટ માંથી નાણા કપાય છે
અમો પતિ કે પત્નીએ બેન્ક ઓફ બરોડા સુખસર શાખામાંથી ક્યારેય ખેતી ધિરાણ કે અન્ય કોઈ લોન લીધેલ નથી.છતાં લાંબા સમયથી અમારા ખાતામાં આવતા અમારા બાળકોની સ્કોલરશીપના નાણાં તેમજ સરકારી સહાયના આવતા નાણાં બારોબાર બેંકમાં કપાત કરી લેવામાં આવે છે. અને જણાવવામાં આવે છે કે તમારા કુટુંબના વ્યક્તિએ લોન લીધેલ છે.અને તેમાં નાણાં કપાત થશે તે નાણા તમો ભરપાઈ ખરીદો તેમ જણાવી ખોટી રીતે અમારા નાણા કપાત કરવામાં રહ્યા છે.ખોટી રીતે નાણા કપાતા અમારું ખાતું બંધ કરાવવા માગીએ છીએ પરંતુ બેંક વાળા ખાતું પણ બંધ કરતા નથી.
મિતલબેન કલાભાઈ હઠીલા,સુખસર, સ્થાનિક