બાબુ સોલંકી :- સુખસર
સુખસરમાં ગુરુ ગોવિંદ ચોક ને હટાવી ધાર્મિક ચોક ઉભો કરાતા વિવાદ, આદિવાસી સમાજનો મામલતદારને આવેદનપત્ર.
સુખસર ખાતે ગુરુ ગોવિંદ ચોક હટાવી ધાર્મિક ચોક ઉભો કરી દેવામાં આવતા ફતેપુરા આદિવાસી સમાજ દ્વારા સખત વિરોધ નોંધાવી ધાર્મિક ચોક હટાવી પુનઃ ગુરુ ગોવિંદ ચોક સ્થાપિત કરવા ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સુખસર તા. ૩૦
પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ ફતેપુરા મામલતદાર કચેરીએ ફતેપુરા તાલુકા આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. કે આદિવાસી પરંપરા અને આદિવાસીઓના ગુરુ ભગવાન ગુરુ ગોવિંદનો ચોક સુખસર ચોકડી પર સ્થાપિત કરેલ હતો. પરંતુ કોઈક ઈસમો દ્વારા તારીખ 21 થી 22 જાન્યુઆરીના વચ્ચે ગુરુ ગોવિંદ ચોક હટાવીને ધાર્મિક ચોક બનાવીને ભગવા કલરનો ઝંડો ફરકાવવામાં આવેલ છે.જેથી ફતેપુરા તાલુકા આદિવાસી સમાજના આગેવાનોએ આ બાબતનો સખત વિરોધ નોંધાવીને જણાવ્યું છે કે આ કૃત્યથી ફતેપુરા આદિવાસી સમાજની લાગણી ખૂબ જ દુભાય છે જેના પગલે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલા ભરી યોગ્ય કાર્યવાહી કરી આદિવાસી સમાજની લાગણીને ધ્યાને રાખીને સુખસર ખાતે ફરીથી તે જ જગ્યાએ ગુરુ ગોવિંદ ચોક સ્થાપિત કરવામાં આવે તેવી ફતેપુરા આદિવાસી સમાજ દ્વારા ફતેપુરા મામલતદારને રજૂઆત કરવામાં આવી છે..