બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ બેંક બેંક ઓફ બરોડા શાખા દ્વારા ખેત ધિરાણ તથા પશુપાલનની લોનના કરજદારોની તટસ્થ તપાસ થવા માંગ
કેટલાક કરજદાર વ્યક્તિઓને પોતાના નામે બેંકમાંથી ખેત ધિરાણ અથવા પશુપાલન લોનનું લહેણું બાકી હોવાની જાણ નોટીસો મળતા થાય છે..!?
બેંક ઓફ બરોડા સુખસર શાખામાં બેંકના કર્મચારીઓની મિલીભગતથી તકવાદી તત્વો ગરીબ,અભણ અને વિધવા મહિલાઓને ટાર્ગેટ બનાવી ચૂક્યા છે
બેંક ઓફ બરોડા સુખસર શાખામાંથી વર્ષ-૨૦૨૧ થી વર્ષ-૨૦૨૩ સુધીમાં ખેત ધિરાણ તથા પશુપાલનની લોન મેળવનાર કરજદારોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો લાખોનો ભ્રષ્ટાચાર પ્રકાશમાં આવી શકે
સુખસર,તા.૨૮
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખામાં સુખસર વિસ્તારના ૪૫ જેટલા ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.તદ્ઉપરાંત નોકરિયાતો તથા વેપારી વર્ગના લોકોના ખાતા આવેલા છે.જે પૈકી મોટાભાગે આ બેંકમાં ખેડૂત અને શ્રમિક ખાતેદારોની સંખ્યા વધુ છે.તેમાં સુખસર વિસ્તારના કેટલાક ખેડૂત ખાતેદારો સાથે તકવાદી તત્વોના માધ્યમથી અને બેંકના જવાબદારોના મેળાપીપણાથી ગરીબ,અભણ અને વિધવા મહિલાઓના નામે છેલ્લા ત્રણેક વર્ષથી ગંભીર ગોટાળા આચરવામાં આવી રહ્યા હોવાની બુમો ઊઠવા પામેલ છે.ટૂંક સમયમાં બેંક ઓફ બરોડા સુખસર શાખાની એક જાગૃત નાગરિક દ્વારા આર.બી.આઈ. માં રજૂઆત સહિત તપાસ માટે ન્યાયાલયમાં રિટ દાખલ થનાર હોવાનું પણ જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખામાં ગરીબ,અભણ, ખેડૂત તથા શ્રમિક વર્ગના બેંક ગ્રાહકો વિવિધ પ્રકારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.તેમજ ગ્રામ્ય વિસ્તારના બેંક ગ્રાહકોની નિયમિત લાઈનો જોવા મળે છે.ત્યારે કલાકોથી લાઇનમાં ઊભેલા ગરીબ,અભણ બેંક ગ્રાહકોને ગણકાર્યા વિના કેટલાક લોકો સીધા બેંકમાં ધુસી જઇ પોતાનું કામ આસાનીથી કઢાવતા હોવાનું જોવા મળે છે.જ્યારે ગરીબ લોકોને કલાકો કે દિવસો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં કામો નહીં થતા હોવાની અનેકવાર બુમો ઉઠે છે.જોકે આ બેંકમાં નોકરીયાત તથા વેપારી વર્ગના લોકોના પણ અનેક ખાતાઓ આવેલા છે.પરંતુ તેઓને નાણાં જમા કરવા કે ઉપાડવા અથવા તો કોઈ પણ સમયે ગમે ત્યારે ગરીબો માટે રાખવામાં આવતા નિયમોની લાઈનથી છૂટ આપી કોઈ નિયમો લાગુ પડતા ન હોય તેમ કોઈ દિવસ બેંકમાં લાગેલી લાઈન વચ્ચે ઊભા રહેલા જોવા મળતા નથી.ત્યારે આ બેંકમાં ગરીબ ખાતેદારો માટે જ નિયમો બનાવવામાં આવ્યા હોય તેમ જણાઈ રહ્યું છે!
અહીંયા જણાવવું જરૂરી છે બેંક ઓફ બરોડા સુખસર શાખામાં વર્ષ-૨૦૨૧ થી વર્ષ-૨૦૨૩ સુધીમાં ખેતી ધિરાણ તથા પશુપાલન માટેની અનેક લોકોને લોન આપવામાં આવી છે.જે પૈકી કેટલાક અરજદારોએ ખેતી ધિરાણકે પશુપાલન લોન માટે જોઈતા તમામ ડોક્યુમેન્ટ આપ્યા બાદ બેંકમાં સહીઓ કરાવી લીધા પછી તેઓને ખેતી ધિરાણ કે પશુપાલન લોન મળી ન હોવા છતાં કેટલાક લોકોના નામે લાખો રૂપિયા આ બેંકનું લેણું હોવાની અને આ નાણા વ્યાજ સાથે ભરપાઈ કરવા રાખવામાં આવતી લોક અદાલત દ્વારા નોટિસો આપવામાં આવે છે. ત્યારે બેંકના દલાલો અને બેંકના મળતીયા કર્મચારી દ્વારા પોતાના નામે આચરવામાં આવેલ કૌભાંડની જાણ જે-તે વ્યક્તિને થતી હોવાના અનેક દાખલા જોવા મળે છે.
અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે, કેટલાક કિસ્સાઓમાં ખેતી ધિરાણ તથા પશુપાલન માટે લોન લેનાર લોકોના નામે દોઢ થી બે લાખ કે તે ઉપરાંતની રકમ મંજૂર કરી બેંકના જવાબદારો દ્વારા આ રકમ બેંકના મળતીયા દલાલ કે દલાલના મળતીયા વ્યક્તિના ખાતામાં જમા કરી જે-તે લોન મેળવનાર વ્યક્તિને ૨૦ થી ૫૦ હજાર રૂપિયા આપી બેંકના મળતીયા દલાલ અને બેંકના મેળાપીપણાથી વ્યવસ્થિત પણે ગરીબોના નામે કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાના અનેક દાખલા બેંક ઓફ બરોડા સુખસર શાખામાં બની ચૂક્યા હોવાની ચર્ચા પણ સાંભળવા મળે છે.જોકે આ બાબતે સાતિર એવા બેંકના દલાલો અને બેંકના મળતીયાઓ દ્વારા જે-તે વ્યક્તિને નામે લીધેલ લોનની તે વ્યક્તિને જાણ થાય નહીં તે હેતુથી દર વર્ષે દલાલ લોકો તે વ્યક્તિના લોન ખાતામાં વ્યાજ ભરપાઈ કરી દેતા લોકોને જાણ પડતી નથી.પરંતુ જ્યારે લોન ભરપાઈ કરવા નોટિસ આપવામાં આવે છે ત્યારે પોતાના નામે બેંક ઓફ બરોડા સુખસર શાખાનુ લેણું બાકી હોવાની જાણ થાય છે ત્યારે તેવા વ્યક્તિના પગ તળેથી ધરતી ખસી જતી હોય છે.જોકે ખેતી ધિરાણ તથા પશુપાલન લોન મેળવવા માંગતા લોકો પૈકી ખાસ કરીને ગરીબ અભણ ખેડૂતો સહિત વિધવા મહિલાઓને ટાર્ગેટ બનાવવામાં આવતા હોવાની પણ ચર્ચા એ જોર પકડ્યું છે.
બેંક ઓફ બરોડા સુખસર શાખામાં ખેતી ધિરાણ તથા પશુપાલન માટે લોન મેળવવા તમામ ડોક્યુમેન્ટની પૂર્તતા કર્યા બાદ મહિનાઓ સુધી લોન આપવા કે નહીં આપવા માટેની તપાસ કરવામાં આવતી નથી.પરંતુ દલાલનો સંપર્ક કર્યા બાદ લોન મેળવવા માટે આસાની રહેતી હોવાની ચર્ચા પણ સાંભળવા મળે છે.પરંતુ લોન આપવી કે નહીં તેના માટે બેંકના મળતીયા દલાલના ઇશારે મોટાભાગનું કામ સરળ થતું હોય છે.પરંતુ જ્યારે બેંકના મળતીયા દલાલનો સંપર્ક કરતા અને તેની ફાઈલની કાર્યવાહી કરવા બે થી પાંચ હજાર રૂપિયા ચાંદલો કર્યા પછી લોન માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોવાની તેમજ લોન મંજૂર થઈ લોન મેળવવા માટે ત્રીસેક ટકા ઉપરાંતની ટકાવારી લીધા બાદ લોન આપવામાં આવતી હોવાના પણ કેટલાક કિસ્સાઓ બનેલા હોવાની ચર્ચાઓ પણ સાંભળવા મળે છે. ખાસ કરીને જે તે વ્યક્તિ માટે મંજૂર થયેલ લોન મળતીયા દલાલ અથવા તો તેના મળતીયા વ્યક્તિના ખાતામાં આ નાણાં ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે.અને લાભાર્થી વ્યક્તિને કેટલા નાણા આપવા કે કાપવા તે દલાલ ઉપર આધાર હોય છે.અને આ બાબત કલ્પના કે આક્ષેપ નહીં પરંતુ ખેતી ધીરાણ તથા પશુપાલન માટે લોન મેળવી ચૂકેલા અને મેળવવા માંગતા ગરીબ લોકોના મોઢેથી પ્રત્યક્ષ મેળવેલ જાણકારી છે.
અત્રે નોંધનીય બાબત એ પણ છે કે,બેંક ઓફ બરોડા સુખસર શાખા દ્વારા આપવામાં આવતી લોન સહાયો માટેની માહિતી માટે આર.ટી.આઈ કરવામાં આવતી હોય છે.અને ત્યાંથી માહિતી નહીં મળતા રિજીયોનલ કચેરીમાં પણ અપીલ કરવા છતાં માહિતી આપવામાં આવતી નથી.અને તેનું કારણ એક જ હોઈ શકે કે બેંક ઓફ બરોડા સુખસર શાખા દ્વારા આચરવામાં આવેલ ગેરરીતી પ્રજા સુધી પહોંચી જાય નહીં! તે સિવાય કારણ કયું હોઈ શકે….?