બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસરમાં અયોધ્યા ખાતે નવનિર્મિત મંદિરમાં શ્રીરામ બિરાજમાન થતાં હનુમાનજી મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા
ફતેપુરા નગરમાં ભગવાન રામની અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શોભાયાત્રા કાઢી વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા
સુખસર,તા.૨૨
ભારતીય સંસ્કૃતિના આધાર સ્થંભ ભગવાન શ્રીરામનું જીવન ચરિત્ર સમસ્ત માનવ જાતિ માટે પ્રેરણાનો સ્ત્રોત છે.૫૦૦ વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ આજે અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થયા છે.ત્યારે તે આનંદની અનુભૂતિને અનુલક્ષીને સુખસર ગામમા મહાઆરતી,શ્રી રામ યાત્રા,ભવ્ય આતશબાજી,મહાપ્રસાદી જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના થનગનાટ વચ્ચે સુખસર ગામ સહિત ફતેપુરા નગર આસપાસના ગ્રામ્ય વિસ્તારોના રામ ભક્તો રામ મય થઈ વાજતે-ગાજતે,નાચગાન સાથે સુખસર ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં હજારોની સંખ્યામાં ભાઈ- બહેનો, વડીલો,બાળકો સૌએ ઉત્સાહભેર ભાગ લઈ શોભાયાત્રામાં અભિવૃદ્ધિ કરી હતી.
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ દયાળુ હનુમાનજી મંદિર ખાતે આજરોજ અયોધ્યા ખાતે નવનિર્મિત મંદિરમાં શ્રીરામ બિરાજમાન થતા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં અયોધ્યા ખાતે શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠાના મુહર્તમાં મંદિર ખાતે આરતી બાદ શોભાયાત્રા કાઢવામાં આવી હતી.સુખસર ગામમાં શોભાયાત્રા દરમિયાન સુખસર પોલીસ સ્ટેશન પી.એસ..આઇ જી.બી ભરવાડ ની આગેવાની હેઠળ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.તેમાં તમામ જાતિ,ધર્મ, કોમના લોકોએ સારો સહકાર આપ્યો હતો.અને શાંતિપૂર્ણ વાતાવરણમાં આ શોભાયાત્રા દયાળુ હનુમાનજી મંદિર થી પોલીસ સ્ટેશન રોડ, પંચાલ ફળિયા વિશ્વકર્મા મંદિર,સુખસર મેન બજારથી મહાદેવ મંદિર થઈ સુખસર ગામ માંથી વાજતે-ગાજતે અને નાચગાન સાથે પસાર થઈ શાંતિપૂર્ણ વાતાવરણમાં દયાળુ હનુમાન મંદિર ચોક પરત આવી હતી.ત્યારબાદ મહા આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.તેમ જ હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ગ્રામજનોના સહયોગથી ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.જેનો સેંકડો લોકોએ લાભ લીધો હતો.જ્યારે રાત્રિના સુખસર દયાળુ હનુમાનજી મંદિર ખાતે સુંદરકાંડ મંડળ ના શ્રદ્ધાળુઓ દ્વારા સુંદરકાંડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.તેમાં પણ રામ ભક્તોએ સુંદરકાંડની રમઝટ બોલાવી હતી.જ્યારે ફતેપુરા નગરમાં પણ રામભક્તો દ્વારા વિવિધ કાર્યક્રમો રાખી શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમાં હજારો રામભક્તો ભાગ લઈ શાંતિપૂર્ણ વાતાવરણમાં શોભાયાત્રા સંપન્ન કરવામાં આવી હતી.આમ સુખસર તથા ફતેપુરામાં શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે યોજાયેલા કાર્યક્રમો શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થતાં પોલીસે હાસકારો અનુભવ્યો હતો.