
લીમખેડા સેશન્સ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવાનો સિલસિલો યથાવત..
પીપલોદમાં બે વર્ષ પહેલા ભાભીની હત્યા કરનાર કુટુંબી દિયરને ઉમ્રકેદની સજા ફટકારતી કોર્ટ.
ગુનાની ગંભીરતા જોઈ કોર્ટે આરોપીને આજીવન કેદ તેમજ 10000 રૂપિયા નો દંડ ફટકાર્યો…
દાહોદ તા.05
લીમખેડા એડિશનલ કોર્ટ દ્વારા અવારનવાર ઐતિહાસિક ચુકાદા આપવાનું સિલસિલો આજે પણ યથાવત રાખ્યો છે. જેમાં બે વર્ષ અગાઉ દેવગઢ બારીયા તાલુકાના પીપલોદમાં અગમ્ય કારણોસર પાવડાના ઘા મારી ભાભીને યમસદને પહોંચાડનાર કુટુંબી દિયરને આજીવન કેદની સાથે 10,000 રૂપિયાનો દંડ લીમખેડા એડિશનલ કોર્ટ દ્વારા ફટકારવામાં આવતા કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો. આ મામલામાં જો આરોપી દ્વારા 10000 રૂપિયા નું દંડ ન ભરે તો કેદ સજારૂપે કાપવા માટેનો હુકમ પણ કોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
દાહોદ જિલ્લાની લીમખેડા કોર્ટનાં ત્રીજા એડિશનલ સેશન્સ જજ મહંમદ હનીફબેગ અકબરબેગ મિર્ઝા ગંભીર ગુનાઓમાં સમાજમાં ઉત્તમ દાખલો બેસે તેમજ ગુનાખોરી કરનાર તત્વોમાં કાયદાનો ડર બેસાડવા માટે આરોપીને કડકમાં કડક સજા ફટકારવા માટે સુખ્યાત બન્યા છે. ત્યારે અગાઉ દુષ્કર્મ,હત્યા તેમજ પોસ્કો જેવા ગુનામાં ત્રીજા એડિશનલ સેશન્સ જજ મહંમદ હનીફબેગ અકબરબેગ મિર્ઝાએ આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવાનો આ સિલસિલો આજે પણ યથાવત રાખ્યો છે જેમાં બે વર્ષ અગાઉ ગત તા.12.08.2021 ના રોજ દેવગઢબારિયા તાલુકાના પીપલોદ ડાયરા ફળિયામાં રહેતા લીલાબેન બળવંતભાઈ ડાયરા, તેમજ લાલીબેન ધનાભાઈ ડાયરા સાસુ વહુ સાંજના ચારેક વાગ્યાના સુમારે રામદેવ મંદિરવાળા મકાઈના બિયારણ નાખવા જઈ રહ્યા હતા તે સમયે તેમના કુટુંબી દિયર બાબુ સોનાભાઈ ડાયરા તેમના ઘરના આંગણામાં હેડપંપની ગાર હટાવી રહ્યા હતા. આ દરમિયાન બંને સાસુ વહુ બાબુ સોનાભાઈ ડાયરાના આંગણામાંથી પસાર થતા એકદમ ઉસકેરાયેલા બાબુ ડાયરાએ લાલીબેન ધનાભાઈ ડાયરાના માથાના ભાગે ઉપરા છાપરી પાવડાના ધા મારી લોહી લુહાણ કરી મુક્તા બુમાબૂમ મચી જવા પામી હતી. જે બાદ ઇજાગ્રસ્ત લાલીબેન ડાયરાને તાબડતોડ 108 મારફતે પીપલોદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ લાલી બેનને મૃત જાહેર કર્યા હતા.જે બાદ મરણ જનાર લાલીબેન ડાયરાની પુત્રવધુ લીલાબેન બળવંતભાઈ ડાયરા એ પીપલોદ પોલીસ મથકે બાબુ સોનાભાઈ ડાયરા વિરુદ્ધ ગુનો નોંધાવતા 302 મુજબ હત્યાનો ગુનો દાખલ કરી સોના બાબુભાઈ ડાયરાને જેલ ભેગો કર્યો હતો. જે બાદ આ કેસ લીમખેડા ત્રીજા એડિશનલ સેશન્સ જજ મહંમદ હનીફબેગ અકબરબેગ મિર્ઝા ની કોર્ટમાં ચાલી જતા કોર્ટે ગુનાની ગંભીરતા જોઈ આરોપી સોના બાબુભાઈ ડાયરાને દોષીત ઠેરવી આજીવન કેદ તેમજ 10000 રૂપિયાનો દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો.તેમજ જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સાદી કેદ ભોગવવાનો હુકમ કરતા કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.