
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકામાં મજુરોના માનવ અધિકાર મંચ દાહોદ દ્વારા અસંગઠિત ક્ષેત્રના મજૂરોનું સુખસર ખાતે સંમેલન યોજાયું
ફતેપુરા-સંજેલી તાલુકાના ૬૦ જેટલા ગ્રામ્ય વિસ્તારોમાંથી ૩૦૦ થી વધારે મજૂર ભાઈ-બહેનોએ સંમેલનનો લાભ લીધો
સુખસર,તા૨૮
માનવ અધિકાર એટલે દરેક મનુષ્ય પોતાનું જીવન આત્મસન્માન પુર્વક જીવી શકે તેવા અધિકારો વર્ષ 1948માં યુનાઇટેડ નેશન્સ દ્વારા માનવ અધિકારોનું ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું હતું.૧૦મી ડિસેમ્બર માનવ અધિકાર દિવસ તરીકે દુનિયાભરમાં ઉજવવામાં આવે છે.જેના અનુસંધાને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ૨૭ ડિસેમ્બર ના રોજ સુખસર ખાતે મજૂર સંમેલન યોજાઈ ગયું.જેમાં વિશાળ સંખ્યામાં અસંગઠીત ક્ષેત્રના મજૂરોની હાજરીમાં સંમેલનનું આયોજન કરી પોતાના અધિકારો વિશે માનવ અધિકાર મંચ દાહોદ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.
ગુજરાતની પૂર્વપટ્ટી માંથી આવતા રાજસ્થાન,મધ્યપ્રદેશ અને ગુજરાતના આદિવાસી બાહુલ્ય એરિયામાંથી મજૂરો પોતાનુ પેટીયુ રળવા માટે પરિવાર સાથે વિવિધ મજૂરી કામ ઉપર જવા સ્થળાંતર કરે છે.તેમને પ્રાથમિક સુવિધા જેવી કે પાણી,લાઈટ,શૌચાલય વ્યવસ્થા મહિલા અને બાળકો ને આઈ.સી.ડી.એસ,શિક્ષણ અને સ્વાસ્થ્યની સુવિધાઓ આસાનીથી ઉપલબ્ધ થતી નથી.જેના વિશે વિગતવાર ચર્ચા કરી ઉપસ્થિત શ્રમિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મજુર અધિકાર મંચ દાહોદ દ્વારા મજૂરોનાં માનવ અધિકારની ઉજવણી અંતર્ગત દાહોદ જિલ્લાના ફતેપુરા અને સંજેલી તાલુકાના અસંગઠિત ક્ષેત્રના મજૂરોનું તાલુકા સંમેલન સુખસરનાં નૂતન વિદ્યાલયની બાજુમાં ખુલ્લા પ્લોટમાં યોજવામાં આવ્યુ હતું.જેમાં બંને તાલુકાના ૬૦ વધારે ગામડાના ૩૦૦થી વધારે મજુર ભાઈ-બહેનો ઉપસ્થિત થયા હતા.આ સંમેલનમાં મજૂરોના હક વિશે અને કાર્ય સ્થળ પર પડતી મુશ્કેલીઓ વિશે,બાંધકામ અને અન્ય શ્રમ યોગી કલ્યાણ બોર્ડની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મજુર અધિકાર મંચનાં પ્રમુખ હીરાભાઈ સોલંકી,સેક્રેટરી રમેશ શ્રીવાસ્તવ,ઉપપ્રમુખ માનસિંગ ભાઈ ભાભોર હાજર રહ્યા હતા.દાહોદ જિલ્લાના પ્રમુખ મીનાબેન ભાભોર, ઉપપ્રમુખ બબલભાઈ ,સેક્રેટરી રાવજી તાવિયાડ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતુ.કાર્યક્રમનું સંચાલન સુનિતા મોહનીયા અને સુરેશ ડામોર દ્વારા કરવામાં આવ્યું હતા.આભાર વિધિ સોનલ ગરાસિયા દ્વારા કરવામાં આવી હતી.કાર્યક્રમને સફળ બનાવવામાં મીના જાદવ અને માનસિંગ ભાઈ ગરાસિયા અને ભારતીબેન અને સમગ્ર દાહોદ યુનિટ નો રહ્યો હતો. અંતમાં બન્ને તાલુકાની સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતુ.