Sunday, 08/09/2024
Dark Mode

લીમખેડા CHC માં કુટુંબ નિયોજનના ઓપરેશન માટે આવેલી મહિલાઓ કલાકો સુધી ઠંડીમાં બેસી રહી,

December 28, 2023
        469
લીમખેડા CHC માં કુટુંબ નિયોજનના ઓપરેશન માટે આવેલી મહિલાઓ કલાકો સુધી ઠંડીમાં બેસી રહી,

લીમખેડા CHC માં કુટુંબ નિયોજનના ઓપરેશન માટે આવેલી મહિલાઓ કલાકો સુધી ઠંડીમાં બેસી રહી,

ઓપરેશન માટે કાયમી તબીબોનો અભાવ,

લીમખેડા તા.28

આમ તો કુંટુંબ નિયોજન માટે સરકાર વિવિધ જાગૃતિ અભિયાન ચલાવી રહી છે અને કુંટુંબ નિયોજનનું ઓપરેશન કરાવનારે સરકાર તરફથી પ્રોત્સાહનરૂપે સહાય પણ ચૂકવવામાં આવે છે. દાહોદના લીમખેડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પણ આજે કુંટુંબ નિયોજનના ઓપરેશનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. પરંતુ, કેમ્પમાં આવેલી મહિલાઓ માટે અહીં પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે મહિલાઓ કડકડતી ઠંડીમાં પરેશાન થતી જોવા મળી હતી.લીમખેડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર અઠવાડિયાના સોમવાર અને ગુરુવારના રોજ કુટુંબ નિયોજનના ઓપરેશન માટે કેમ્પ યોજવામા આવે છે, જેમા મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારની ગરીબ પરિવારની મહિલાઓને કુટુંબ નિયોજનનુ ઓપરેશન કરાવવા માટે આરોગ્ય વિભાગની આશાવર્કર તેમજ ફિમેલ હેલ્થ વર્કર દ્વારા લાવવામા આવતી હોય છે. ત્યારે આજે લીમખેડા સામુહીક આરોગ્ય કેન્દ્ર પર ગુરુવાર હોવાથી કેમ્પ રાખવામા આવ્યો હતો, જે કેમ્પમા ઓપરેશન કરાવવા માટે લાવવામા આવેલી મહિલાઓની સંખ્યા વધારે જોવા મળી હતી. શિયાળાની કડકડતી ઠંડીમાં મહિલાઓ નીચે જમીન પર કતારબંધ બેઠેલી જોવા મળી હતી, સરકાર દ્વારા ઓપરેશન કરાવવા માટે લાવવામા આવતી મહિલાઓને તેમના ઘરેથી હોસ્પિટલ સુધી લાવવાની તેમજ ઓપરેશન બાદ ઘર સુધી સલામત રીતે પહોચાડવાની જવાબદારી આરોગ્ય વિભાગની હોય છે, તેમ છતા આરોગ્ય વિભાગ ક્યાંક ને ક્યાંક તેમની સેવાને અસરકારક રીતે ઓપરેશન કરાવવા માટે લાવવામા આવતી મહિલાઓને પુરી પાડવામા ક્યાંક ઉણપ રહી ગઈ હોય તેમ લાગી રહ્યુ છે.ત્યારે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે કેમ્પમાં એક દિવસ દરમિયાન ફક્ત ૩૦ મહિલાઓના ઓપરેશન કરી શકાય છે, તેમ છતા આજે લીમખેડા સી.એચ.સી. પર 30 થી વધુ મહિલાઓ ઓપરેશનની કતારમા જોવા મળી હતી. જેના કારણે મહિલાઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. સવારથી ઓપરેશન કરાવવા આવેલી મહિલાઓનું કર્મચારીઓ દ્વારા કોઈપણ પ્રકારનુ ધ્યાન રાખવામા આવતુ નહિ હોવાનુ મહિલાઓની પરિસ્થિતિ પરથી જોવા મળ્યુ હતુ. ઓપરેશન કરાવવા આવતી મહિલાઓની સૌ પ્રથમ નોંધણી કરવામાં આવતી હોય છે, અને ત્યારબાદ લેબોરેટરી, સુગર લેવલ સહિતની શારીરિક તપાસ કરવામા આવતી હોય છે, આજે કેટલી મહિલાઓ ઓપરેશન માટે આવી છે તેનો રજીસ્ટર પરથી ચોક્કસ આંકડો જાણવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો પરંતુ આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ઓપરેશન નોંધણી રજીસ્ટર બતાવવામા આવ્યું ન હતુ, પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપવામા આવેલ ન હતો.લીમખેડા સામુહીક આરોગ્ય પર ઓપરેશન માટે કોઈ કાયમી ડોક્ટરની નિયુક્તિ કરવામા આવેલ નથી, દાહોદ જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા કુંટુંબ નિયોજનના ઓપરેશન માટે દાહોદના રિટાયર્ડ સિવિલ સર્જન ડો.મહેન્દ્ર ડામોરની નિયુકતિ કરેલ છે, જેમા આરોગ્ય વિભાગ તરફથી ઓપરેશન કરનાર ડોકટરને એક ઓપરેશન ના રુ.100/- લેખે ચુકવવામા આવે છે.

*સામુહીક આરોગ્ય કેન્દ્રમાં કુટુંબ નિયોજનના ઓપરેશનમાં વધારે મહિલાઓ આવી હોવાથી અવ્યવસ્થા સર્જાઈ છે.:- તાલુકા હેલ્થ ઓફિસર ડો. કલ્પેશ બારીયા.

લીમખેડા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે કુટુંબ નિયોજનનો ઓપરેશન કેમ્પ રાખેલ છે,જેમા એક દિવસમા 30 ઓપરેશન કરવાની સરકારની ગાઈડ લાઈન છે. પરંતુ આજે વધારે મહિલાઓ ઓપરેશન માટે આવેલ છે, જેથી મહિલાઓને પડતી મુશ્કેલીઓનુ નિવારણ કરવાનો અમારો પુરો પ્રયાસ છે, અને ભવિષ્યમા વધુ સારી સુવિધાઓ મળે તે પ્રમાણે આયોજન કરીશુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!