રાજેશ વસાવે :- દાહોદ
ખૂબ દુર્લભ ગણાતા આ પક્ષીની પાંખનો ફેલાવો પાંચ ફૂટ જેટલો નોંધાયો..
દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળના ભવન ખાતે બિમાર વિશાળકાય યુરેશિયન ગીફ્રોન વલ્ચર પ્રજાતિનું ગીધ સારવાર માટે મહેમાન બન્યું..
દાહોદ પંથકમાં ૨૦૦૫ માં છેલ્લે નોંધાયું હતું..
દાહોદ તા. ૨૭
આપણી પૃથ્વી પરથી ઘણાં પશુ-પક્ષીઓ હવે લુપ્ત થવાના આરે છે. આવી પરિસ્થિતિમાં આવા જીવોની સુરક્ષા કરવી મહત્ત્વની છે. આવા સમયે એક વિશાળકાય યુરેશિયન ગીધ દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળનું મહેમાન બન્યું છે.
દાહોદ નજીકના ઝાલોદના એક વિસ્તારમાં પસાર થતા લોકો દ્વારા થોડે અંશે બિમાર એવું એક વિશાળ પક્ષી જોવાતું હોવાની જાણ ઝાલોદ વન વિભાગને કરવામાં આવી હતી. બાદમાં વન વિભાગની મદદથી દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળના રેસ્ક્યુ ટીમના સાહિદ શેખ, ચિરાગ તલાટી, કાદિર, વિમલ, રાહુલ તથા હિમાંશુ આ વિશાળકાય પક્ષીને રેસ્ક્યુ કરી દાહોદ ખાતેના ‘અજય દેસાઈ પ્રકૃતિ ભવન’ ખાતે માવજત કરવા લાવ્યા હતા. બાદમાં આ વિશાળકાય પક્ષી દુર્લભ ગણાતું યુરેશિયન ગ્રીફોન ગીધ હોવાનું ખબર પડતાં દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળના પ્રકૃતિપ્રેમી સભ્યો અને વેટરનરી તબીબો તેની ખૂબ સરસ રીતે માવજત કરી તેને પાછું તેના મૂળ સ્થળે જવા ઉડી શકે તે રીતે સક્ષમ કરી રહ્યા છે.
ઝાંખું બદામી માથું, ભૂખરી ચાંચ, કાળી- તપખીરીયા રંગની પાંખો અને ગંદા સફેદ રંગનું ગળું ધરાવતાં યુરેશિયન ગીફ્રોન વલ્ચર નામે આ પક્ષીની પાંખનો ફેલાવો આશરે પાંચ ફુટ લાંબો થઈ રહ્યો છે ત્યારે ભાગ્યે જ જોવા મળતા આ પ્રકારના વિશાળકાય પક્ષી માટે દાહોદ પંથકમાં કૂતુહલતા સર્જાતા પ્રકૃતિપ્રેમીઓ તેને નિહાળવા આવી રહ્યાં છે.
પક્ષીજગતના તજજ્ઞો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર યુરેશિયન ગીધ નામે દુર્લભ ગણાતું આ પક્ષી હિમાલયના પટ્ટામાં તિબેટ પઠાર, ભુતાન તેમજ નેપાળના કેટલાક પ્રદેશોમાં જોવા મળે છે. ખૂબ ઊંચાઈએ ઉડતાં આ ગીધ ઘણી વખત ઉડતા ઉડતા ગુજરાત સહિતના પ્રાંતોમાં પણ આવી જાય છે. તે રીતે આવેલ આ પક્ષી અનાયાસે દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળનું મહેમાન બનવા પામ્યું છે.
આ પક્ષી લુપ્ત થતી પ્રજાતિઓમાંનું એક છે.
ગુજરાતી ભાષામાં ઉજળો ગીધ તરીકે ઓળખાતું આ યુરેશિયન ગીધ લુપ્ત થઈ રહેલી પ્રજાતિઓમાંનું એક છે. દાહોદ પંથકમાં છેલ્લે આ ગીધ ૨૦૦૫ માં જોવાયું હતું. હાલમાં તેની સારવાર અને માવજત સરસ રીતે લેવાતા તે પુન: સ્વસ્થ બની રહ્યું છે. આ ગીધ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે પછી તેને ખુલ્લા આકાશમાં મુકત રીતે ઉડતું મુકી દેવામાં આવશે.