લીમખેડા નજીક બનેલા ગમખવાર અકસ્માતથી અરેરાટી…
દાંતિયા ગામે પુરઝડપે આવતા ટેન્કરે પેસેન્જર ભરેલા છકડાને ઓવરટેક કરવા જતા સર્જાયેલા અકસ્માતમાં બેના મોત:એક ઇજાગ્રસ્ત..
દાહોદ તા.૩૧
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દાતીયા ગામેથી પસાર થતાં હાઈવે રોડ પર એક ટેન્કરના ચાલકે આગળ જતાં એક પેસેન્જર ભરેલા છકડાને ઓવટેક મારવા જતાં ટેન્કર અને છકડા વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા છકડામાં સવાર મહિલા સહિત ત્રણ પૈકી એક મહિલા અને એક પુરૂષ એમ બે વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટના સ્થળ પર મોત નીપજ્યાંનું જ્યારે એકને શરીરે ઈજાઓ પહોંચતાં તેમને સારવાર માટે નજીકના દવાખાને ખસેડાયાનું જ્યારે માર્ગ અકસ્માત સર્જી ટેન્કરનો ચાલક ટેન્કર સ્થળ પર મુકી નાસી ગયાંનું જાણવા મળે છે.
ગત તા.૩૧મી ઓક્ટોમ્બરના રોજ લીમખેડાના દાતીયા ગામે આવેલ હાઈવે રોડ પર એક ટેન્કરના ચાલકે પોતાના કબજાનું ટેન્કર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો અને તે સમયે આગળ જતાં એક પેસેન્જર ભરે છકડાને ઓવરટેક કરવા જતાં ટેન્કરની એંગલ છકડામાં ભરાઈ જતાં છકડો પલ્ટી ખાઈ ગયો હતો જેને પગલે છકડામાં સવાર પર્વતભાઈ નાનસીંગભાઈ મેડા, ચંપાબેન પર્વતભાઈ મેડા અને મેહુલભાઈ પર્વતભાઈ મેડાનાઓ છકડામાંથી ફંગોળાઈ જમીન પર પટકાતા જેમાંથી પર્વતભાઈ તથા ચંપાબેનને શરીરે, હાથે, પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં બંન્નેનું ઘટના સ્થળ પર મોત નીપજ્યુ હતું જ્યારે મેહુલભાઈને પણ શરીરે, હાથે, પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચતાં તેમને સારવાર માટે નજીકના દવાખાને લઈ જવામાં આવ્યાં હતાં જ્યારે માર્ગ અકસ્માત સર્જી ટેન્કરનો ચાલક ફરાર થઈ ગયો હતો.
આ સંબંધે લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામે ટેકરા ફળિયામાં રહેતાં મહેશભાઈ દિપસીંભાઈ વડેલ દ્વારા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————-