ફતેપુરા તાલુકાના મારગાળાના ૩૪ વર્ષીય મોટર સાયકલ ચાલકને વીજ થાંભલા સાથે અકસ્માત નડતાં મોત
મારગાળાનો યુવાન સાંજના સાતેક વાગ્યાના અરસામાં ઘરેથી નીકળી મોટા નટવા સાસરીમાં જઈ રહ્યો હતો
સુખસર,તા.૨૨
ફતેપુરા તાલુકાના મારગાળા ગામના કાનપુર ફળિયામાં રહેતો ૩૪ વર્ષીય યુવાન રવિવાર રાત્રીના સાતેક વાગ્યાના અરસામાં ઘરેથી મોટર સાયકલ લઇ મોટા નટવા ગામે સાસરીમાં જવા નીકળ્યો હતો તેવા સમયે મારગાળા ગામમાં રસ્તા ઉપરથી પસાર થતાં પોતાના કબજાની ગાડી ઉપરથી કાબુ ગુમાવતા મોટરસાયકલ વીજ થાંભલા સાથે અથડાતા મોટરસાયકલ ચાલકને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મારગાળા ગામના કાનપુર ફળિયામાં રહેતા મુકેશભાઈ રસિકભાઈ બારીયા (ઉ.વ.૩૪) નાઓ રવિવાર સાંજના સાતેક વાગ્યાના અરસામાં ઘરેથી પેશન પ્રો મોટરસાયકલ નંબર-જીજે.૦૭.સીએચ -૦૬૦૭ લઈ મોટા નટવા ગામે સાસરીમાં જવા નીકળ્યા હતા.તેવા સમયે મારગાળા ગામે ડામર રસ્તા ઉપરથી પસાર થતાં સમયે પોતાના કબજા ની મોટરસાયકલને પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી જતાં મોટરસાયકલ ઉપરથી કાબુ ગુમાવતા રોડની બાજુમાં આવેલ ઈલેક્ટ્રીક થાંભલા સાથે પોતાના કબજાની ગાડીને અથડાવતા મુકેશભાઈ બારીયા ને માથામાં કપાળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી.જેથી આસપાસ માંથી દોડી આવેલા લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ આવી પહોંચતા ગંભીર ઇજાગ્રસ્ત મુકેશભાઈ બારીયાને સુખસર સરકારી દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં ફરજ ઉપરના તબીબે મુકેશભાઈ બારીયાને મૃત જાહેર કર્યા હતા.જુવાનજોધ પુત્રનું અકસ્માતે મોત નીપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત અકસ્માત સંદર્ભે મૃતક મુકેશભાઈના ભાઈ અરવિંદભાઈ બારીયાએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં અકસ્માત સ્થળના પંચનામા બાદ લાશનો કબજો મેળવી પી.એમ માટે સુખસર સરકારી દવાખાનામાં મોકલી આપી હતી.તેમજ પી.એમ બાદ લાશનો કબજો મૃતકના વાલી વારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.