ઈલિયાસ શેખ :- સંતરામપુર
શિક્ષણ મંત્રી ડો.કુબેર ડીંડોર પોતાના વતન સંતરામપુરના ભંડારા ગામે માતાજીની આરાધના કરી ગરબે ઘૂમ્યા…
સંતરામપુર તા. ૧૮
વિશ્વનું કલ્યાણ કરનારી માઁ ભગવતી આદ્યશક્તિની ભક્તિ આરાધના કરવાનો પાવન પર્વ એટલે નવલી નવરાત્રી. નવરાત્રીમાં આનંદ ઉલ્લાસ ભેર ગરબે રમીને માતાજીની ભક્તિ કરવામાં આવે છે. હાલ સમગ્ર રાજ્ય દેશ અને વિશ્વના દેશોમાં નવરાત્રી યોજાઈ રહી છે અને ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમી રહ્યા છે ત્યારે પોતાની આગવી શૈલી થી જાણીતા રાજ્યના શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર પોતાના વતન ખાતે પરિવાર સાથે પોહચી માતાજીની ભક્તિ આરાધના કરી ગરબા રમ્યા હતા.
રાજ્યના શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર પોતાના ગામ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભંડારા ખાતે આયોજિત નવરાત્રીમાં અંબે માતાજીના દર્શન કરવા માટે પરિવાર સાથે પોહચ્યા હતા જ્યાં ભંડારા ગામે ગામખેડા યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મૉહોત્સવ સ્થળ પોહચ્યા હતા. ત્યાં તેઓએ તેમના ધર્મપત્ની સાથે માતાજીની આરતી નો લ્હાવો લીધો હતો અને વડીલો સાથે માતાજીની પૂજા અર્ચના કરી હતી ત્યાર બાદ ગામના સરપંચ,કાર્યકરો, વડીલો, માતા બહેનો અને બાળકો સાથે ગરબે ઘૂમ્યા હતા. કુબેરભાઈ પોતાની આગવી શૈલી થી જાણીતા છે તેઓ અવાર નવાર સામાજિક પ્રસંગોમાં જતા હોય છે જ્યાં પરંપરાગત આદિવાસી નૃત્ય કરતા હોય છે. ઉપરાંત હોળી ધુળેટી જેવા તહેવારો પર ગામ લોકો વડીલ સાથે આદિવાસી પોશાકમાં સજ્જ થઈ જાતે ઢોલ નગારા વગાડતા હોય છે અને તહેવારની અનોખી રીતે ઉજવણી કરતા હોય છે ત્યારે આજે નવરાત્રિના બીજા નોરતે તેઓ પોતાના વતન ભંડારા ગામે માતાજીની ભક્તિ આરાધના કરી સૌ ગામ લોકો સાથે મળી ગરબા રમ્યા હતા. સાથે જ નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી.