રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં ટ્રાફિક અને પાર્કિંગ મુદ્દે વહીવટી તંત્રની લાલ આંખ..
આંબેડકર ચોકમાં ત્રણ શોપિંગ સેન્ટરોની 42 થી વધુ દુકાનો સીલ કરતા ખળભળાટ
ત્રણેય શોપિંગ સેન્ટરોમાં કાર્યરત અને આવશ્યક સેવાઓમાં ગણાતી બેંક હોસ્પિટલ અને લેબોરેટરીને બાકાત રખાઈ…
પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીની ટીમો દ્વારા સંયુક્ત કામગીરીથી વેપારી આલમમાં ફફડાટ..
દાહોદ તા.૦૬
દાહોદ શહેરના આંબેડકર ચોક મામલતદાર કચેરી તરફ જવાના માર્ગ ઉપર અવારનવાર ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાતા અગાઉ થોડા સમય પહેલા મામલતદારની ટીમ દ્વારા આ વિસ્તારના દુકાનદારોને ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે નોટિસો આપવામાં આવી હતી.પરંતુ આ વિસ્તારના દુકાનદારો દ્વારા નોટિસની અવગણના કરતા અને ટ્રાફિકનું ભારણ ઓછું કરવામાં કોઈ પ્રકારની કામગીરી ન કરતા આજરોજ પ્રાંત અધિકારીની સુચના અનુસાર દાહોદ મામલતદાર સહિતની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારના ત્રણ શોપિંગ સેન્ટરોમાં 42 થી વધુ દુકાનો તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી. જોકે આ શોપિંગ સેન્ટરોમાં હોસ્પિટલ લેબોરેટરી તેમજ બેંક પણ ચાલતી હોવાથી આવશ્યક ગણાતી આ સેવાઓને સીલ મારવાની કાર્યવાહીમાંથી બાકાત કરવામાં આવી હતી.
દાહોદ શહેરમાં આંબેડકર ચોકથી મામલતદાર કચેરી તરફ જવાના માર્ગ પર હંમેશા ભારે ટ્રાફિક જોવા મળે છે.આ મામલે ટ્રાફિકનું ભારણ ઓછું કરવા સંબંધે પ્રાંત અધિકારી એન.બી.રાજપુતની સીધી સુચના અનુસાર દાહોદ મામલતદાર કચેરી દ્વારા આ વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ પ્લાઝા ટાવર, એકતા કોમ્પ્લેક્સ તેમજ બાબજી કોમ્પલેક્ષમાં આવેલ 42 થી વધુ દુકાનદારો, હોસ્પિટલ ક્લિનિકવાળાઓને થોડા મહિનાઓ પહેલા નોટિસ આપવામાં આવી હતી.અને તેઓને જણાવ્યું હતું કે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પોતપોતાના રોજગાર ધંધાના વિસ્તારમાં પાર્કિંગ સહિતની સુવિધા ઉભી કરવામાં આવે.પરંતુ આ વિસ્તારના ધંધાકીય આલમ દ્વારા પાર્કિંગની સુવિધા કરવામાં આવી ન હતી જેના કારણે આ વિસ્તારમાં સરકારી કચેરીઓમાં કામ અર્થે અવરજવરમાં વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને ટ્રાફિકની સમસ્યા પણ ઉદભવી રહી હતી.ત્યારે આજરોજ દાહોદ મામલતદાર મનોજ મિશ્રા, તેમજ મામલતદાર કચેરી તથા પ્રાંત કચેરીના અધિકારીઓ તેમજ કર્મચારીઓની ટીમ આ વિસ્તારમાં ધામા નાખ્યા હતા.અને એક પછી એક પછી એક 42 થી વધુ દુકાનોને તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવી હતી. જોકે આ વિસ્તારમાં હોસ્પિટલ લેબોરેટરી તેમજ બેંક પણ આવેલી હોવાથી ઉપરોક્ત ત્રણેય સેવાઓને આવશ્યક સેવાઓમાં ગણાતી હોવાથી તંત્ર દ્વારા આજરોજ હાથ ધરવામાં આવેલી કામગીરી માંથી બાકાત રાખવામાં આવી હતી. જોકે તંત્ર દ્વારા આ વિસ્તારની દુકાનોને સીલ કરવાની કાર્યવાહી સાથે ઘણા વિસ્તારોમાં ઉત્તેજના પણ ફેલાઈ હતી. ત્યારે બીજી તરફ ટ્રાફિકના ભારણ સમાય એવા ઘણા વિસ્તારો દાહોદ શહેરમાં છે. જ્યાં હાલ પણ ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આવા ઘણા વિસ્તારોમાં પણ તંત્રની આવી કામગીરી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી શહેરીજનોમાં ઉઠવા પામી છે.