ઈલિયાશ શહેખ :- સંતરામપુર
માનગઢ ખાતે ‘મહિસાગર જ્ઞાનગંગા પ્રોજેકટ’ અંતર્ગત પ્રથમ લેખન કાર્યશાળા યોજાઇ
મહીસાગર તા. ૨૯
વિધાર્થીઓ ભારતીય સંસ્કૃતિમાં રહેલા સંસ્કારના ગુણ, સેવા, શિસ્ત અને ભારતીય મૂલ્યોનું જતન કરી શકે એ માટે શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઇ ડિંડોરના પ્રેરક નવતર અભિગમથી ‘મહિસાગર જ્ઞાનગંગા પ્રોજેકટ’ અંતર્ગત મહીસાગર જિલ્લાની શાળાઓમાં પુસ્તક આપવા પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પુસ્તક લેખનની પ્રથમ બે દિવસીય લેખન કાર્યશાળાનું આયોજન ઐતિહાસિક માનગઢ ધામ (હિલ )ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનું દીપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરતાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઇ પટેલે રાજ્યના ખૂણે ખૂણેથી સંસ્કાર સિંચન માટે સમર્પણ ભાવથી આવેલા લેખકોને આવકાર્યા હતા અને આ પ્રોજેક્ટનું આયોજન કરનાર ડાયટ પ્રાચાર્ય શ્રી ડો. કે. ટી. પોરણિયા, જિલ્લા શિક્ષણાધિકારી ડો. અવનીબા મોરી અને સમગ્ર શિક્ષણ વિભાગની ટીમના પ્રયાસોને બિરદાવ્યા હતા. આ કાર્યશાળાના આયોજનના સહભાગી આનંદાલયના સંસ્થાપક અને ગુજરાત યુનીવર્સિટીના સંસ્કૃત પ્રાધ્યાપક ડો. અતુલ ઉનાગરે જણાવ્યું હતું કે મહીસાગર જિલ્લાએ શિક્ષણ ક્ષેત્રે આ એક દૂરંદેશી પગલું ભર્યું છે. કાર્યશાળામાં ખાસ કરીને પ્રાથમિક શાળાના બાળકોને ધ્યાનમાં રાખીને આગામી ભવિષ્યને અનુલક્ષી સાહિત્ય તૈયાર કરવામાં આવશે.અલગ અલગ પ્રકારના પ્રકલ્પો છે જેમાં ચરિત્ર નિર્માણ, પ્રકૃતિ, સંસ્કાર, સંસ્કૃતિ સહિતની વિશાળ સાહિત્ય તૈયાર થઈ રહ્યું છે તે બીજા બધા જિલ્લાઓને પણ ઉદાહરણ રૂપ બની રહેશે. જિલ્લા શિક્ષણાધિકારી ડો. અવનીબા મોરીએ સમગ્ર પ્રકલ્પનો હેતુ અને સાહિત્ય નિર્માણના વિષયોની વિસ્તૃત છણાવટ કરી લેખકોને માર્ગદર્શન આપ્યું હતું.
નિવૃત્ત શિક્ષણાધિકારી ભાનુભાઇ પંચાલે લેખકોને કેળવણીના પાયાના સિધ્ધાંતો સમજાવી લેખનકાર્યમાં પ્રોત્સાહિત કર્યા હતા.આ કાર્યશાળાને સફળ બનાવવા સિનિયર લેક્ચરર ઓમેગા પાંડવ, પ્રોજેક્ટ સંયોજક જયેશભાઈ પટેલ, રમેશભાઈ પટેલ,ધર્મેશ મહેતા સહિત બી.આર.સી. સી.આર.સી.ની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. રાજ્યના વિવિધ વિસ્તારમાંથી આવેલા લેખકોએ ઐતિહાસિક માનગઢ ધરામાં આ કાર્યશાળાના આયોજનની સરાહના કરી મહીસાગર જિલ્લાની આ પહેલમાં સહભાગી થવા બદલ ઉત્સાહ સાથે અમૃત કાળમાં આવા નવતર પ્રયોગો બાળકોમાં સુટેવોનું સર્જન કરી નવા ભારતનું નિર્માણ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.