બાબુ સોલંકી :- સુખસર
સુખસરમાં બસ સ્ટેશન ચોકડી થી આસપુર ચોકડી સુધીમાં હાઇવે માર્ગ ઉપર સ્થાનિક દુકાનદારો તથા લારી-પથારાવાળાઓ નો અસહ્ય થઈ પડેલો ત્રાસ
હાઈવે માર્ગ ઉપર રાહદારી લોકોને પસાર થવાની જગ્યા ઉપર લારી પથારાવાળા તથા દુકાનદારોનો સરસામાન માર્ગની કિનાર સુધી પાથરવામાં આવે છે
સુખસર,તા.૨૭
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ હાઇવે માર્ગ ઉપર કેટલાક સ્થાનિક દુકાનદારો તથા લારી પથારા વાળાઓને કોઈ નિયમો નડતા ન હોય તેમ દુકાનોનો સરસામાન,લારી પથારાવાળા ધંધાદારીઓ સહિત ટુ-ફોર વ્હિલર વાહનના માલિકો હાઇવે માર્ગની બંને સાઈડોમાં માર્ગની કિનાર સુધી અડીંગો જમાવી દબાણ ઊભું કરતા હોય રાહદારીઓ તથા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી રહ્યા છે.ત્યારે હાઇવે માર્ગની બંને સાઈડમાં કરવામાં આવતા દબાણ દૂર કરી થતા અકસ્માતો અને ભવિષ્યમાં થનાર જાનહાની ટાળવા હાઇવે માર્ગને કાયમના માટે ખુલ્લો કરવામાં આવે તેવી જાહેર જનતાની તીવ્ર માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ સુખસરના બસ સ્ટેશન ચોકડી થી લઈ આસપુર ચોકડી સુધીમાં હાઇવે માર્ગની બંને સાઈડોમાં કેટલાક સ્થાનિક દુકાનદારો પોતાની દુકાનમાં વેચાણ માટે રાખેલ સરસામાન છેક હાઇવે માર્ગની કિનાર સુધી પાથરી દેતા જોવા મળી રહ્યા છે.તેમજ કેટલાક લોકો માર્ગની સાઈડમાં લારી ગલ્લા ગોઠવી દઈ તેમજ અનેક વાહન ચાલકો પોતાના વાહનોને હાઇવેની કિનાર સુધીમાં પાર્ક કરી દબાણ ઊભું કરતા હોવાનું જોવા મળે છે.અને આ દબાણોના કારણે વાહન ચાલકોને પોતાના વાહનો પસાર કરવા અને તેમાંયે ખાસ કરીને ઓવરટેક કરવા જતા જગ્યાના અભાવે અકસ્માત થવાનો ભય પણ વધી જવા પામેલ છે.જોકે ગતરોજ ટ્રક-એકટીવા ઓવરટેક વચ્ચે જગ્યાના અભાવે એકટીવા સવારોને અકસ્માત નડતા હાથ-પગ ગુમાવવાનો વારો આવેલ છે. હાલ રાહ તારી લોકો રસ્તાની સાઈડમાં જગ્યાના અભાવે હાઇવે માર્ગ ઉપરથી અવર-જવર કરતા હોય છે.ત્યારે જગ્યાના અભાવે આવા બનાવોનું પુનરાવર્તન થાય નહીં તે ધ્યાને લઈ હાઇવે માર્ગ ઉપર ઉભા કરાતા દબાણ તાત્કાલિક હટાવી લારી પથારા વાળાઓને લાગતા-વળગતા તંત્ર દ્વારા નાના ધંધાદારી ઓની રોજગારી છીનવાય નહીં તેને ધ્યાને લઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી પણ જરૂરી જણાય છે.
અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે,સુખસર ખાતે બસ સ્ટેશનનો અભાવ છે.જેના લીધે વાહનોની રાહ જોતી મુસાફર જનતા હાઇવે માર્ગની સાઈડમાં ઉભી રહી વાહનોની રાહ જોતી હોય છે. બસ સ્ટેશન પાસે હાઇવે માર્ગની બંને સાઈડોમાં ટુ-ફોર વ્હીલર વાહનો પાર્ક કરી દેવામાં આવતા એસટી બસો પણ હાઇવે માર્ગ વચ્ચે ઉભી રહી પેસેન્જર ને ચડાવવા ઉતારવા પડતા હોવાનું જાણવા મળે છે.ત્યારે આ જગ્યા ઉપર ટુ-ફોર વ્હિલર વાહનો પાર્ક કરી કલાકો સુધી અડીંગો જમાવી વાહન પાર્કિંગની જગ્યા હોય તેમ દબાણ કરવામાં આવતું હોવાનું નજરે જોતા જણાઈ આવે છે.અને વાહનોની રાહ જોતી મુસાફર જનતાને ઉભું રહેવા માટેની જગ્યા પણ મળતી નથી.ત્યારે બસ સ્ટેશન આસપાસમાં ટુ-ફોર વ્હીલર વાહન પાર્કિંગ કરવામાં આવી રહ્યા છે તે બંધ કરાવવામાં આવે સાથે-સાથે સુખસર બસ સ્ટેશન થી લઈ આસપુર ચોકડી સુધીમાં હાઇવે માર્ગની બાજુમાં રાહદારી લોકોને અવર-જવર માટે રાખવામાં આવેલ ફૂટપાથ ઉપર ઉભુ કરવામાં આવતુ દબાણ તાત્કાલિક અને કાયમ માટે દૂર કરવામાં આવે તે પણ ખૂબ જ જરૂરી જણાય છે.