બાબુ સોલંકી :- સુખસર
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સુખસર પી.એસ.આઇ.જી.બી ભરવાડને પ્રશસ્તિપત્ર આપી સન્માન કરાયું
સુખસરમાં નદીમાં આવેલ પૂરમાં તણાયેલા ઈનોવા ગાડીમાં સવાર ફસાયેલા ત્રણ લોકોને બચાવતા સન્માન કરાયું
સુખસર,તા.૨૦
ફતેપુરા તાલુકામાં ૧૭ સપ્ટેમ્બર ના રોજ અતિ ભારે વરસાદના કારણે નદીઓમાં પુર આવ્યા હતા.તે દરમ્યાન સુખસર ની ખારી નદીના પુલ ઉપરથી પસાર થઈ રહેલા ઇનોવા ગાડીમાં ત્રણ સવાર લોકો ગાડી સાથે નદીના પૂરમાં તણાઈ ફસાઈ ગયા હતાજેની જાણ સુખસર પોલીસ, ફતેપુરા મામલતદાર તથા ઝાલોદ એન.ડી.આર.એફ ની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે જઈ પાણીમાં ફસાયેલા ત્રણ લોકોને સહી સલામત બહાર કાઢી પ્રશંસનીય કામગીરી કરવા બદલ સુખસર પી.એસ.આઇ ને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા શુભેચ્છા સહ સરાહના રૂપે પ્રશંસા પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના લખણપુર માતા ફળિયા ખાતે રહેતા મુકેશભાઈ પારસીંગભાઈ તાવિયાડ,તેનો પુત્ર તથા તેનો એક કુટુંબી ભાઈ આમ ત્રણ વ્યક્તિઓ ૧૭ સપ્ટેમ્બર-૨૦૨૩ ના રોજ સુખસર તરફ કોઈ કામ અર્થે ગયા હતા.તેવા સમયે ભારે વરસાદના કારણે સુખસર ખારી નદીમાં પૂર આવેલ હતું.અને આ પુલ ઉપરથી ઇનોવા ગાડી પસાર કરવા જતા ઇનોવા ગાડી સહિત ત્રણ લોકો પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. આગળ જતા બાવળના ઝુંડમાં આ ગાડી ફસાઈ ગઈ હતી. અને ગાડી સાથે ફસાયેલા આ ત્રણ વ્યક્તિઓ ગાડી ના છાપરા ઉપર ચડી ગયા હતા.જેની જાણ સુખસર પોલીસને થતા સમય સૂચકતા વાપરી સુખસર પી.એસ.આઇ સહિત સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે આવી ફતેપુરા મામલતદાર તેમજ એન.ડી.આર.એફ ની ટીમને જાણ કરતાં તાત્કાલિક આવી પહોંચી હતી. અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.ગાડી સાથે નદીના વહેણમાં ફસાયેલા ત્રણ વ્યક્તિઓને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે,તારીખ ૧૭/૧૮ સપ્ટેમ્બર-૨૦૨૩ ના રોજ દાહોદ જિલ્લામાં અતિભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર થયેલું હતું.અને ચારે બાજુ પાણી ભરાવાના કારણે કેટલીક જગ્યાએ માણસો પૂરમાં ફસાઈ ગયેલા હતા. તેવી જ રીતે સુખસરમાં પણ ઇનોવા ગાડી સાથે ત્રણ વ્યક્તિઓ ગાડી સાથે પાણીના વહેણમાં ફસાયા હતા.જેમાં સુખસર પી.એસ.આઇ જી.બી ભરવાડ તથા ટીમ દ્વારા સમયસર કુનેહબાજી થી આ પૂરમાં ફસાયેલા ત્રણેય લોકોને બચાવી માનવીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ હતું.ત્યારે પોલીસ અધિક્ષક દાહોદ દ્વારા સુખસર પી.એસ.આઇ જી.બી ભરવાડને ઘગસથી પ્રશંસનીય કામગીરી કરવા બદલ તેમજ ભવિષ્યમાં પણ સારી કામગીરી કરતા રહો તેવી શુભેચ્છા સહ સરાહના રૂપે પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.