રાજેશ વસાવે :- દાહોદ
ભારે વરસાદના પગલે પહેલેથી બિસ્માર બનેલા રસ્તાઓની હાલત બદ થી બદતર બની..
સ્માર્ટ સિટી દાહોદમાં ભારે વરસાદથી મોટાભાગના રસ્તાઓનું મોટાપાયે ધોવાણ: ઠેર-ઠેર મસમોટા ગાબડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકી…
શહેરના રાજમાર્ગો પર પડેલા મોટા ખાડાઓમાં પાણી ભરાતા દ્વિચક્રી વાહન ચાલકો પડી જવાના બનાવોમાં વધારો…
દાહોદ તા.18
સ્માર્ટ સિટી દાહોદમાં ડિમોલિશનની કામગીરી દરમિયાન, તેમજ ભૂગર્ભ ગટર તેમજ સ્ટ્રોમ વોટરની લાઈન નાખ્યા બાદ શહેરના મોટાભાગના રાજમાર્ગો પહેલે થી જ તૂટી જતા છેલ્લા ઘણા સમયથી તેમજ રાહદારીઓ તેમજ વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા. ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી માહોલમાં શહેરના રાજમાર્ગોમાં મોટા પ્રમાણમાં ખાડાઓ પડી જતા પાલિકા તેમજ વહીવટી તંત્ર દ્વારા ચોમાસા દરમિયાન ડામર પ્લાન્ટ બંધ હોવાથી ખાડાઓમાં માટી મેટલ નાખી પુરાણ કરવામાં આવ્યું હતું.
પરંતુ શહેરના માર્ગો પર વ્યવસ્થિત રીતે પુરાણ કામ ન થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો. તો બીજી તરફ શહેરના તેર જેટલા વિવિધ રાજમાર્ગો સ્માર્ટ રોડ અપગ્રેડેશનમાં સામેલ કરવામાં આવતા હવે દાહોદ શહેરના રાજમાર્ગો વ્યવસ્થિત રીતે નવેસરથી બનશે તેવી આશા શહેરીજનોમાં જાગી હતી પરંતુ આશા ક્ષણિક અને ઠગારી નીવડી હતી.
કારણ કે ચોમાસાની રીતુ દરમ્યાન સ્માર્ટ રોડ અપગ્રેડેશન નું કામ ખોરંબે પડતા શહેરીજનો ચોમાસાની ઋતુની પૂરી થવાની રાહ જોઈ તૂટેલા ફૂટેલા, તેમજ ઉબડ ખાબડ રસ્તાઓમાં ઉડતી ધૂળ વચ્ચેથી પસાર થતી વેળા સુખ સુવિધાથી સંપન્ન સ્માર્ટ સિટીની ઝંખના કરતા શહેરવાસીઓ પોતાની કમનસીબી ને કોસી દિવસો પસાર કરી રહ્યા હતા. પરંતુ તાજેતરમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદ વરસતા દાહોદ શહેરના મોટાભાગના રાજમાર્ગોનું મોટા પાયે ધોવાણ થતા રસ્તાઓની હાલત વધુ બદથી બદતર બનવા પામી છે ત્યારે આજરોજ થોડુંક ઉઘાડ નીકળતા શહેરના રાજમાર્ગો પર પડેલા મસમોટા ખાડાઓ નરી આંખે જોવાઈ રહ્યા હતા.
અને શહેરીજનો મસમોટા ખાડાઓમાંથી જાણે યાતનાઓની વેતરણી પાર કરી રહ્યા હોય તેમ પસાર થતા જોવા મળ્યા હતા.ત્યારે પાલિકા તંત્ર યુદ્ધના ધોરણે શહેરના વિવિધ માર્ગો પર પડેલા મસમોટા ખાડાઓ સરખીરીતે પુરાણ કરે જેથી દાહોદની જનતાને મુશ્કેલીઓમાંથી ઘણી બધી રાહત મળે તેમ છે.