
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરાના ખાતરપુરના મુવાડા, જવેસી તથા નાના બોરીદામાં વરસાદી માહોલમાં મકાનોને નુકસાન પહોંચ્યું
ખાતરપુરના મુવાડા તથા જવેસીમાં વધુ વરસાદથી જ્યારે નાના બોરીદામાં વરસાદ દરમિયાન મકાન ઉપર વૃક્ષ પડતાં મકાનોને નુકસાન પહોંચ્યું
ફતેપુરા તાલુકામાં પવન સાથે આવેલ વરસાદના કારણે મકાઈના પાકને વ્યાપક નુકસાન
સુખસર,તા.૧૮
ફતેપુરા તાલુકામાં શુક્રવાર થી લઈ રવિવાર સુધીમા થયેલ ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓ ઉપર વૃક્ષો તથા વિજ પોલ ધારાશયી થવાની વિગતો મળી રહી છે.છેલ્લા બે દિવસથી કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં અંધાર પર છવાયેલો હોવાનું જાણવા મળે છે.જ્યારે કેટલીક જગ્યાએ વધુ વરસાદના કારણે મકાનો પણ ધારાશયી થયા હોવાની વિગતો મળી રહી છે.જોકે સુખસર પંથકમાં કેટલાક મકાનો ધારાશયી થવાના કારણે મકાનોને નુકસાન પહોંચ્યું હોવાનું પરંતુ કોઈ જાનના અહેવાલ નથી.
ચોમાસાના આગમન પછી ખેડૂતો દ્વારા ખેતીમાં વાવણી કર્યા બાદ અતિ સામાન્ય કહી શકાય તેવો વરસાદ થયેલ હતો.પરંતુ ગત એક માસ ઉપરાંતથી તાલુકામાં વરસાદે વિરામ લેતા ખેડૂતોમાં ચોમાસુ પાકો સહિત રવિ સિઝનના પાકો અને પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થવાના ડરથી ચિંતિત હતા.ત્યારે શુક્રવારથી શરૂ થયેલા વરસાદથી નદી,નાળા,તળાવો અને કુવાઓ છલકાઈ ગયા છે,સાથે- સાથે મકાઈના પાકને વરસાદ સાથે પવનના કારણે પાકણી સુધી આવેલો મકાઈનો પાક પડી જતા મકાઈના પાકમાં ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.છતાં મેઘરાજા મહેરબાન થતાં ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી રહી છે.
હાલમાં આવેલા વરસાદના કારણે તાલુકામાં અનેક જગ્યાઓ ઉપર મોટા વૃક્ષો ધારાશયી થયા છે.અને તેના લીધે કેટલીક જગ્યા ઉપર વીજ પોલ પણ પડી જતા ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસથી અંધાર પર છવાયેલો છે.પવન સાથે આવેલા વરસાદથી ખાતરપુર ના મુવાડાના વસુનીયા ફળિયામાં કલાભાઈ વસુનીયાના મકાનને નુકસાન પહોંચવા પામ્યું હોવાનું જાણવા મળે છે.સદ્દભાગ્યે કોઈ જાનહાની થઈ નહીં હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે.જ્યારે નાના બોરીદાના ભોંપણ ફળિયામાં હરજીભાઈ શામજીભાઈ મછારના મકાન ઉપર વૃક્ષ પડતાં મકાનને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું પણ જાણવા મળે છે.જ્યારે જવેસીના મગનભાઈ ખાનાભાઈ રોહિતનુ મકાન રવિવારના રોજ ચાલુ વરસાદમાં પડી જતા મકાનને નુકસાન પહોંચવા પામ્યું હોવાનું જાણવા મળે છે.જોકે જવેસીમાં અનેક કાચા મકાનો વરસાદના કારણે પડી જવા પામેલ હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે.જોકે આ તમામ જગ્યાએ મકાનોને નુકસાન પહોંચવા પામ્યું છે પરંતુ કોઈ જાનહાની થવા પામેલ નહીં હોવાનું પણ જાણવા મળે છે.જોકે તાલુકાના અન્ય ગામડાઓમાં પણ અનેક મકાનો વધુ વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયા હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે..