રિપોર્ટર :- રાહુલ ગારી, નવીન સિકલીગર,રાજેશ વસાવે
આફતનો વરસાદ…ભારે વરસાદના પગલે દાહોદ જિલ્લામાં 108 જેટલા કાચા મકાનો ધરાશાયી થતા લોકો બેઘર બન્યા.
વહીવટી તંત્ર દ્વારા બીજા દિવસે 20 જેટલા લોકોને સલામત જગ્યાએ ખસેડ્યા…
દાહોદ તા.17
દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા અતિભારે વરસાદના પગલે દાહોદ શહેર સહિત જિલ્લાભરમાં તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. દાહોદ શહેર ઉપરાંત તાલુકા મથકોમાં તેમજ નેશનલ હાઈવે તથા અન્ય ગ્રામીણ વિસ્તારોને જોડતા માર્ગો ઉપર સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થતાં વાહન વ્યવહાર અવરોધિત થયો છે.
તો બીજી તરફ નદી નાળા તળાવો તથા કોતરોમાં ભારે વરસાદના પગલે કેટલાક માર્ગો પણ બંધ થઈ જવા પામ્યા છે ત્યારે વૃક્ષોની સાથે એમજીવીસીએલની લાઈનો પણ તૂટી જતા દિવસ દરમિયાન એમજીવીસીએલની કચેરી ઉપર ફોન રણકતા જોવા મળ્યા હતા.
તો કેટલીક જગ્યાએ મેજર ફોલ્ટ આવતા કલાકો થી વીજળી દૂર થતા અંધારપટ છવાયો છે. છેલ્લા બે દિવસ દરમિયાન ભારે વરસાદના પગલે દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં 108 જેટલા કાચા મકાનો તેમાં ઝૂંપડાઓ પડી જવાના અહેવાલ સરકારી સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યા છે.
તેમાં એકલા ગરબાડા પંથકમાંથી 26 જેટલા કાચા મકાનો ધરાશાહી થવાથી મકાનમાલિકોને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે.
તારે બીજી તરફ કાચા મકાનો ધરાશાયી થતાં બે ઘર બનેલા લોકોને પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અન્ય સલામત જગ્યાએ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત દાહોદ જિલ્લામાં આજે 20 જેટલા લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હોવાના આંકડા સામે આવ્યા છે.
હાલ વરસાદ ચાલુ હોવાથી વહીવટી તંત્ર દ્વારા રાઉન્ડ ઘ ક્લોક જે જગ્યાએથી સૂચનાઓ મળી રહી છે તે જગ્યા પર રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.